News of Friday, 16th January 2026
નર્મદા જિલ્લાના આકાંક્ષિત બ્લોક નાંદોદમાં:નીતિ આયોગના શિક્ષણ સૂચકાંકો સુધારવા હેડ માસ્ટરો માટે ક્ષમતા વિકાસ વર્કશોપ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના આકાંક્ષિત બ્લોક નાંદોદમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ વિભાગના સહયોગથી હેડ માસ્ટરો માટે એક દિવસીય ક્ષમતા વિકાસ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો મુખ્ય હેતુ Aspirational District Programme અંતર્ગત શિક્ષણ સંબંધિત NITI Aayog ના સૂચકાંકોમાં સુધારો લાવવો અને શાળાની મુખ્ય પ્રક્રિયાઓને વધુ મજબૂત બનાવવાનો હતો. વિદ્યાર્થીઓના શીખણને મજબૂત બનાવવા માટે BALA (Building as a Learning Aid), બાલ સંસદ, લાઇબ્રેરી અને પ્રાર્થનાસભા જેવી ચાર મુખ્ય પ્રક્રિયાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી. સાથે સાથે પંચાયત સાથેના સહયોગ દ્વારા શાળાની પ્રક્રિયાઓ કેવી રીતે વધુ અસરકારક બની શકે તે અંગે સમજ આપવામાં આવી.
વર્કશોપમાં નાંદોદ બ્લોકના કુલ 40 હેડ માસ્ટરો ઉપસ્થિત રહ્યા. સત્ર દરમિયાન શાળા નેતૃત્વ, શૈક્ષણિક ગુણવત્તા અને સતત સુધારાની પ્રક્રિયા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં શ્રી પ્રભાસ રાઠવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહી શાળાના સર્વાંગી વિકાસ માટે SMC સભ્યોના સહયોગથી શાળાની પ્રક્રિયાઓને મજબૂત બનાવવા અંગે પોતાના મૂલ્યવાન માર્ગદર્શન આપ્યા.
પિરામલ ફાઉન્ડેશન તરફથી જિલ્લા લીડર વિશ્નુ પારેખ, પ્રોગ્રામ લીડર કૃષ્ણા ભાવસાર તથા પ્રોગ્રામ લીડર ગગન દ્વારા સંસ્થાના કાર્ય, શાળાઓ સાથેની ભાગીદારી અને ક્ષેત્ર આધારિત અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વર્કશોપને ગાંધી ફેલોઝ અદિતિ, મહક, રૂબી, રાણી, ઝાન્વી અને નિશ્મા ની સક્રિય સહભાગિતાએ વધુ અસરકારક બનાવ્યો. સત્ર દરમિયાન પિરામલ ફાઉન્ડેશન અને ગાંધી ફેલોઝ દ્વારા શાળાઓમાં ચાલી રહેલી શીખણ અને પ્રક્રિયા આધારિત પહેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ વર્કશોપ દ્વારા હેડ માસ્ટરોમાં પરસ્પર શીખણ, વિચાર વિનિમય અને શાળા સુધારણા માટેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની હોવાનું નોંધાયું.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
