<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ગુજરાતમાં દિવ્‍યાંગોને ૮૨૦ કરોડની સહાય મળીઃ ભુપેન્‍દ્રભાઈ પટેલ

મુખ્‍યમંત્રીએ ભાવનગરમાં રૂ.૧.૧૬ કરોડના સાધન સહાયનું ૧૦૧૭ દિવ્‍યાંગોજનોને વિતરણ કર્યુઃ નીમુબેન બાંભણીયા, જીતુભાઈ વાઘાણી સહિતના ઉપસ્‍થિત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭: ભાવનગરમાં સામાજિક અને ન્‍યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્‍ક દિવ્‍યાંગ સાધન સહાય વિતરણ કેમ્‍પનું આયોજન એલિમ્‍કો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્‍યું હતું.

મુખ્‍યમંત્રી એ ભારત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા એક જ દિવસમાં એક સાથે ૧૦૧૭ દિવ્‍યાંગજનોને રૂ.૧.૧૬ કરોડના સાધન સહાય અર્પણ કરવાના આ નિઃશુલ્‍ક સાધન સહાય વિતરણ કાર્યક્રમને દિવ્‍યાંગ કલ્‍યાણની સરકારની પ્રતિબદ્ધતા ગણાવી હતી.

ભાવનગર અને બોટાદ જિલ્લામાં ૧૫ દિવસ સુધી કેમ્‍પો યોજીને ૨૬૦૦થી વધુ દિવ્‍યાંગજનોને રૂ.૩.૫૧ કરોડના ૪૮૦૦થી વધુ સાધનો વિનામૂલ્‍યે આપીને તેમની આત્‍મનિર્ભરતાનું મહત્‍વપૂર્ણ કાર્ય ઉપાડવા બદલ કેન્‍દ્રીય મંત્રી શ્રીમતિ નીમુબેન બાંભણિયા અને તેમની ટીમને મુખ્‍યમંત્રીશ્રીએ અભિંનદન પાઠવ્‍યા હતા. આ ઉપરાંત રાજ્‍યની બે જાહેર કંપનીઓ જેટકો અને પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડે પણ સી.એસ.આર. અન્‍વયે આ સાધન સહાય વિતરણમાં યોગદાન આપ્‍યું છે તેની પણ સરાહના કરી હતી.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪ લાખથી વધુ દિવ્‍યાંગોને વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ.૮૨૦ કરોડથી વધુની સહાય આપી છે. એટલું જ નહિ, દિવ્‍યાંગોને પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી તેમાંથી પણ મુક્‍તિ મળી છે. દિવ્‍યાંગતા પ્રમાણપત્ર આજીવન માન્‍ય કરવાના નિર્ણયથી દિવ્‍યાંગોને મોટી રાહત આપી છે.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે દિવ્‍યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ઝળકાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ અપનાવી છે તેની પણ વિગતો આપી હતી. આ અંગે તેમણે કહ્યું કે, ગાંધીનગરમાં ૩૧૬ કરોડ રૂપિયાના ખર્ચે પેરા એથલિટ્‍સ માટે હાઈ પર્ફોમન્‍સ સ્‍પોર્ટ્‍સ સેન્‍ટર નિર્માણ પામી રહ્યું છે. આવનારા સમયમાં યોજાનારી વિશ્વકક્ષાની રમતોમાં આપણા દિવ્‍યાંગ ખેલાડીઓ વધુને વધુ મેડલ મેળવે તેવી તાલીમ આ હાઇપરફોર્મન્‍સ સેન્‍ટરમાં અપાશે.

કેન્‍દ્રિય ગ્રાહકોની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ  રાજય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતળત્‍વમાં ભારતમાં અનેક ક્રાન્‍તિકારી બદલાવ આવ્‍યાં છે. દિવ્‍યાંગજનો માટે સરકારશ્રીની અનેક કલ્‍યાણકારી યોજનાઓ અમલી છે. સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં અંદાજે ૨૭૦૦ જેટલાં દિવ્‍યાંગજનનું ઍસેસમેન્‍ટ કરવામાં આવ્‍યું હતું. ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્‍પોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ૮૨૫ દિવ્‍યાંગજનોને કુલ રૂ.૧૨૧.૨૦ લાખની કિંમતના ૧૫૭૭ સાધનો આપવામાં આવ્‍યા છે.

કળષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, દિવ્‍યાંગ શબ્‍દની ભાવનાત્‍મક અભિવ્‍યક્‍તિ અને દિવ્‍યાંગજનો માટેની વ્‍યવસ્‍થાઓની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કરી હતી. મુખ્‍યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે દિવ્‍યાંગોને મુખ્‍ય પ્રવાહમાં લાવવા માટે જે સંવેદનશીલ પહેલ કરી હતી, જેનું ફળ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. દિવ્‍યાંગ સાધન સહાય કાર્યક્રમો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્‍મક પરિવર્તન આવ્‍યું છે.

ભાવનગર કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે સ્‍વાગત પ્રવચન અને જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમની રૂપરેખા અને પ્રાસંગિક પ્રવચન એલીમ્‍કો કંપનીના જનરલ મેનેજર શ્રી વિવેક દ્વિવેદીએ કર્યું હતુ.

આ અવસરે ભાવનગરના પ્રભારીમંત્રી  કૌશિકભાઈ વેકરીયા, મેયર ભરતભાઈ બારડ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્‍યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, ધારાસભ્‍ય સર્વશ્રી સેજલબેન પંડયા, કેન્‍દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણના જોઇન્‍ટ સેક્રેટરી રવિ શંકર, આગેવાન  કુમારભાઈ શાહ, દિગ્‍વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:26 AM IST)