<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

વૈષ્ણોદેવી બ્રિજ પર કાળમુખો રવિવાર: ફોર્ચ્યુનર અને ST બસ વચ્ચેની ભયાનક ટક્કરમાં કારનો કચ્ચરઘાણ, એક યુવાનનું કરુણ મોત

ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ફૂલ સ્પીડમાં જતી લક્ઝુરિયસ કારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો પ્રચંડ અકસ્માત; ટક્કર એટલી જોરદાર હતી કે બસ ડિવાઈડર પર ચઢી ગઈ અને પાછળ આવતી ગાડીઓ પણ એકબીજામાં ઘૂસી ગઈ, વહેલી સવારે લોહીલુહાણ દ્રશ્યોથી હાઈવે થથરી ઉઠ્યો

અમદાવાદ:રવિવારની રજાની વહેલી સવાર અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે રક્તરંજિત સાબિત થઈ છે. હિંમતનગરથી રાજકોટ જઈ રહેલી એસટી બસ અને પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર વચ્ચે થયેલા પ્રચંડ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે GJ 18 EF 9 નંબરની ફોર્ચ્યુનર કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ એક યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતી સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. રવિવાર હોવા છતાં આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, આજે 18 જાન્યુઆરીના રોજ વહેલી સવારે એક ફોર્ચ્યુનર કાર સરખેજ તરફથી ગાંધીનગર તરફ અત્યંત ઝડપથી જઈ રહી હતી. વૈષ્ણોદેવી બ્રિજના છેડે પહોંચતા જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે કાર રોડની બીજી તરફ ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે મોટી એસટી બસ પણ ફંગોળાઈને સીધી ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કારનો ઉપરનો ભાગ જાણે પતરાની જેમ ચીરાઈ ગયો હતો અને અંદર સવાર લોકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

માત્ર બસ અને ફોર્ચ્યુનર જ નહીં, પરંતુ આ અકસ્માતની હારમાળામાં પાછળ આવી રહેલી બ્રેઝા કાર પણ લપેટમાં આવી ગઈ હતી. ફોર્ચ્યુનર સાથે અથડાયા બાદ બ્રેઝા કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી યુવતીની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવી છે. અન્ય ઇજાગ્રસ્તોને પણ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બ્રિજ પર ચારેતરફ કાચના ટુકડા અને લોહીના ડાઘા જોવા મળતા હતા, જે અકસ્માતની ભયાનકતાની સાક્ષી પૂરતા હતા.

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતગ્રસ્ત વાહનો રસ્તાની વચ્ચે હોવાથી અડધો રસ્તો બંધ કરવો પડ્યો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવીને ફોર્ચ્યુનર અને અન્ય વાહનોને રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં વધુ પડતી સ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે ગુનો નોંધીને મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:11 AM IST)