News of Sunday, 18th January 2026
હવે એન્જિનિયરિંગની ડિગ્રી સાથે 'ઓનર્સ' કે 'માઈનોર' સ્પેશિયલાઈઝેશનનો મળશે લાભ
GTU ની મોટી જાહેરાતઃ શૈક્ષણિક વર્ષ 2025-26થી નવી સ્કીમ અમલી બનશે

ગાંધીનગરઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ને અનુરૂપ નવી સ્કીમની જાહેરાત કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 થી અમલી બનનારી આ સ્કીમ હેઠળ ઈજનેરીના વિદ્યાર્થીઓ હવે આઠ સેમેસ્ટરની મુખ્ય ડિગ્રીની સાથે વધારાના વિષયોમાં નિપુણતા મેળવીને ઓનર્સ અથવા માઈનોર સર્ટિફિકેટ મેળવી શકશે. આ નિર્ણયનો હેતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં વિદ્યાર્થીઓને ગ્લોબલ સ્કિલ્સથી સજ્જ કરવાનો છે.
વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વિનય પુરાણીએ આ બંને પાસાઓ સ્પષ્ટ કર્યા છે:તેમણે જણાવેલ કે બી.ઈ. (ઓનર્સ): જ્યારે વિદ્યાર્થી પોતાની જ બ્રાન્ચના એડવાન્સ વિષયમાં સ્પેશિયલાઈઝેશન કરે. (દા.ત. કમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી સાયબર સિક્યુરિટીમાં નિષ્ણાત બને.) માઈનોર ડિગ્રી: જ્યારે વિદ્યાર્થી પોતાની બ્રાન્ચ સિવાયની બીજી કોઈ બ્રાન્ચના વિષયો ભણીને તેમાં નિપુણતા મેળવે. (દા.ત. મિકેનિકલનો વિદ્યાર્થી IT એન્જિનિયરિંગના વિષયો ભણીને ડિગ્રી મેળવે.)
જો કોઈ વિદ્યાર્થીએ ચાર વર્ષનો બી.ઈ. કોર્સ પૂર્ણ કર્યો હોય, પરંતુ માઈનોર કે ઓનર્સના વિષયોમાં એટીકેટી (ATKT) ધરાવતો હોય, તો ગભરાવાની જરૂર નથી. આવા વિદ્યાર્થીઓ બે વર્ષ સુધીમાં રેમેડિયલ પરીક્ષા આપીને પોતાનું સર્ટિફિકેટ મેળવી શકશે.
વિદ્યાર્થી ઓનર્સ અથવા માઈનોર - આ બેમાંથી માત્ર એક જ વિકલ્પની પસંદગી કરી શકશે. વિદ્યાર્થીને પહેલા બી.ઈ. (મેઈન ડિગ્રી) મળશે, ત્યારબાદ જ ઓનર્સ કે માઈનોરનું સર્ટિફિકેટ માન્ય ગણાશે. જો વિદ્યાર્થી કોઈ ઓનલાઈન કોર્સ દ્વારા આ ક્રેડિટ મેળવવા માંગતો હોય, તો યુનિવર્સિટીની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે.
GTUના આ નિર્ણયથી ગુજરાતના ઈજનેરી વિદ્યાર્થીઓ માટે નોકરીની તકો વધશે અને તેઓ એકસાથે બે અલગ-અલગ ફિલ્ડના જ્ઞાન સાથે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી શકશે.
(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
