<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

સુરત ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન : 800 કરોડના કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને 11 વર્ષથી વોન્ટેડ બે શાતિર આરોપીઓ ઝબ્બે

વોન્ટેડ ગોપાલ શેખાવત અને સલીમ મહમદને દબોચી લેતી એન્ટી ઓર્ગેનાઈઝ્ડ સ્કોડ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ‘નો વોન્ટેડ’ અભિયાનમાં ક્રાઈમ બ્રાન્ચે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

રાજકોટ, : જાન્યુઆરી : સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારો સામે આદરેલા ‘નો વોન્ટેડ ઇન સુરત’ અભિયાનને અત્યાર સુધીની સૌથી મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના વિશેષ ઓપરેશનમાં સમગ્ર દેશમાં ચકચારી મચાવનારા 800 કરોડના કૌભાંડના માસ્ટરમાઈન્ડ અને છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ, ગોપાલ શેખાવત અને સલીમ મહમદને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને શાતિર આરોપીઓ પર લાખોના ઇનામ જાહેર થયેલા હતા અને દેશના વિવિધ રાજ્યોની પોલીસ તેમની શોધમાં આકાશ-પાતાળ એક કરી રહી હતી.
રેકોર્ડ બ્રેક કામગીરી અને ધરપકડ:
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કડક સૂચના બાદ, ડિટેક્શન ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે. આ દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજિયાની ટીમ હરકતમાં આવી હતી. એસીપી કિરણ મોદીના સીધા સંકલન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર રઘુરાજસિંહ આઈ. જાડેજા અને તેમની એન્ટી ઓર્ગેનાઇઝ્ડ સ્કોડ (AOS) ના પીએસઆઈ તથા સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ અશક્ય ઓપરેશનને શક્ય કરી બતાવ્યું છે.
દેશભરની પોલીસ સુરત આવવા રવાના:
ઝડપાયેલા આરોપીઓ ગોપાલ શેખાવત અને સલીમ મહમદ સામે દેશના અનેક રાજ્યોમાં ગંભીર આર્થિક ગુનાઓ નોંધાયેલા છે. 11 વર્ષ સુધી પોલીસને હાથતાળી આપનારા આ કૌભાંડીઓ ઝડપાઈ જતાં અન્ય રાજ્યોની પોલીસમાં પણ હડકંપ મચી ગયો છે. વિવિધ રાજ્યોની પોલીસ ટીમો હવે આ માસ્ટરમાઈન્ડ્સનો કબજો મેળવવા અને વધુ તપાસ અર્થે સુરત આવવા રવાના થઈ છે.
સુરત પોલીસનો દબદબો:
આ સફળતા સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારોને પકડવાની બાબતમાં પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 800 કરોડ જેવી માતબર રકમના કૌભાંડના સૂત્રધારોની ધરપકડથી ગુનેગારોમાં ફાળ પડી છે. કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ સફળ ઓપરેશન પાર પાડનાર સમગ્ર ટીમને બિરદાવી છે અને અભિનંદન પાઠવ્યા છે.

(1:04 PM IST)