News of Sunday, 18th January 2026
દાવોસમાં ગ્લોબલ રોકાણકારો સામે ગુજરાતની તાકાત બતાવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે ૫૮ દિગ્ગજ નેતાઓ સાથે કરશે બેઠક
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૨૬માં રાજ્યનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સેમીકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ આકર્ષશે : યુવાનો માટે લાખોની રોજગારી અને ઔદ્યોગિક ક્રાંતિનો રોડમેપ રજૂ કરાશે

ગાંધીનગર : ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું સૌથી પસંદગીનું સ્થળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ જવા રવાના થશે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) ૨૦૨૬માં ગુજરાત ‘રેડી ફોર ધ વર્લ્ડ’ ના મજબૂત સંદેશ સાથે સહભાગી થશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને વૈશ્વિક ફલક પર મૂકવાનો અને યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જવાનો છે.
ગ્લોબલ દિગ્ગજો સાથે વન-ટુ-વન સંવાદ:
આ પાંચ દિવસીય મુલાકાત દરમિયાન શ્રી સંઘવી વિશ્વની ટોચની કંપનીઓના ૫૮ થી વધુ વડાઓ સાથે મેરેથોન બેઠકો યોજશે. જેમાં AP Moller Maersk, Engie, EDF, અને Sumitomo Group જેવી જાયન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં સેમીકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, ફાર્માસ્યુટિકલ્સ અને શિપિંગ-લોજિસ્ટિક્સ જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર્સમાં રોકાણ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
વૈશ્વિક મંચ પર ગુજરાતનો અવાજ:
માત્ર રોકાણ જ નહીં, પરંતુ વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાત સક્રિય ભૂમિકા ભજવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ‘નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત’ અને ‘સ્પોર્ટ્સની શક્તિ’ જેવા મહત્વના સત્રોમાં મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે. આ ઉપરાંત ‘કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ’ અને ‘મિશન વોટર’ જેવા પર્યાવરણલક્ષી વિષયો પર ગુજરાતના સફળ મોડલની વિગતો દુનિયા સમક્ષ રજૂ કરવામાં આવશે.
રોજગારી અને આર્થિક વિકાસનું લક્ષ્ય:
ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો સ્પષ્ટ અભિગમ છે કે આ મુલાકાત દ્વારા ગુજરાત ગ્લોબલ વેલ્યુ ચેઈનનું મહત્વનું કેન્દ્ર બને. એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સ્તરે કુશળ યુવાનો માટે મોટા પાયે રોજગાર નિર્માણ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિઝન:
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વૈશ્વિક આર્થિક શક્તિ તરીકે સ્થાપિત કર્યું છે, તે જ દિશામાં આગળ વધતા ગુજરાત સરકાર ‘વિકસિત ગુજરાત @2047’ ના સંકલ્પને સાકાર કરવા આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરશે. આ પ્રવાસથી રાજ્યમાં નવી ટેકનોલોજી અને વિદેશી મૂડીરોકાણના નવા દ્વાર ખુલવાની પ્રબળ શક્યતા છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
