<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

નવસારીમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ડ્રગ્સની બાતમી આપ્યાની શંકાએ યુવક પર ઓડી કાર ચડાવી કચડી નાખવા પ્રયાસ

મંકોડીયા વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવી રચાયું મોટું કાવતરું: ત્રણ આરોપીની ધરપકડ : એકની શોધખોળ

નવસારી શહેરમાં મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ડ્રગ્સની બાતમી આપનાર એક યુવકને જાનથી મારી નાખવાનો ભયાનક પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને માથાભારે તત્વોએ યુવક પર લક્ઝરીયસ ઓડી કાર ચઢાવી તેને કચડી નાખવાનો પ્રયત્ન કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

 

ઘટનાની વિગત મુજબ, દિનેશ સોનકર નામના યુવકે ડ્રગ્સ અંગે પોલીસને બાતમી આપી હોવાની અદાવત આરોપીઓ રાખી રહ્યા હતા. આ દુશ્મનાવટનો અંત લાવવા માટે આરોપીઓએ દિનેશને શહેરના મંકોડીયા વિસ્તારમાં 'સમાધાન' કરવાના બહાને બોલાવ્યો હતો. જોકે, આ માત્ર એક જાળ હતી. દિનેશ ત્યાં પહોંચતા જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેની પર બેફામ ગતિએ ઓડી કાર ચઢાવી દેવામાં આવી હતી.

આ જીવલેણ હુમલા બાદ વિજલપુર પોલીસ એક્શનમાં આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે તપાસ તેજ કરી અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ફેઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ અહેમદભાઈ ગીરાસીયા, ભૌતીક ઉર્ફે લાંબો શૈલેષભાઇ પ્રજાપતિ અને પ્રતિક ઉર્ફે કાતર હળપતિ. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી મોઈન ડેની હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

 

પોલીસે હુમલામાં વપરાયેલી ઓડી કાર સહિત કુલ બે લક્ઝરીયસ ગાડીઓ કબજે કરી છે. મંકોડીયા જેવા રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉભા કર્યા છે. ડ્રગ્સ માફિયાઓ કે બાતમીની અદાવતમાં આ પ્રકારે બેફામ બનેલા તત્વો સામે પોલીસ કડક હાથે કામ લઈ રહી છે.

(4:58 PM IST)