<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

દુબઈ હેલ્‍થકેર સિટીના તર્જ પર કડી-કલોલમાં બનશે ઈન્‍ટરનેશનલ મેડિસિટી

મેડિકલ ટુરિઝમને મળશે વેગ : રાજ્‍ય સરકાર આ સુવિધા ઉભી કરવા માટે આશરે રૂ.૧૩ કરોડનો ખર્ચ કરશે

અમદાવાદ, તા.૧૯: ગુજરાતમાં મેડિકલ સુવિધાઓ વિકસી રહી છે. દુબઈ હેલ્‍થકેર સિટી પ્રોજેક્‍ટની તર્જ પર રાજ્‍ય સરકારે ગુજરાતને મેડિકલ સુવિધાઓના હબ તરીકે વિકસાવવાના હેતુથી કડી-કલોલ પાસે આંતરારાષ્‍ટ્રીય સ્‍તરની મેડિસિટી સ્‍થાપવાની દરખાસ્‍ત રજૂ કરી છે. રાજ્‍ય સરકાર આ સુવિધા ઉભી કરવા માટે આશરે  રૂ.૧૩ કરોડનો ખર્ચ કરશે. જેમાં હાઇપ્રટેક હોસ્‍પિટલો, રિસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ સેન્‍ટરો, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્‍ટર અને આરોગ્‍ય ક્ષેત્ર સાથે જોડાયેલી અન્‍ય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

કઈ સુવિધાઓ મળશે

આ મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટની બ્‍લુપ્રિન્‍ટ તૈયાર કરી લેવામાં આવી છે અને હાલ રાજ્‍ય સરકાર ઉત્તર ગુજરાતમાં કડી અથવા કલોલ પાસે જમીનની શોધ કરી રહી છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે, આ પ્રોજેક્‍ટમાં જોઈન્‍ટ કમિશન ઈન્‍ટરનેશનલઁ દ્વારા માન્‍યતા પ્રાપ્ત હોસ્‍પિટલો હશે. સાથે જ મેડિકલ અને નર્સિંગ કોલેજો, રિસર્ચ સેન્‍ટરો અને મેડિકલ ડિવાઈસ પાર્ક જેવી સહાયક સુવિધાઓ પણ ઉપલબ્‍ધ હશે.

પ્રોજેક્‍ટનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ પ્રોજેક્‍ટનો મુખ્‍ય હેતુ તબીબી સારવાર, રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્માપ્રબાયોટેક ક્ષેત્રો માટે એક કેન્‍દ્રીય હબ વિકસાવવાનો છે. આ પ્રોજેક્‍ટને ‘મેડિકલ વેલ્‍યુ ટ્રાવેલ' બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવે તેવી શકયતા છે, જેમાં રાજ્‍યના આરોગ્‍ય અને પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હશે. સરકાર આ પ્રોજેક્‍ટને ૨૦૨૮ સુધીમાં પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવે છે.

કલોલ-કડીની જ કેમ પસંદગી? : સૂત્રોએ જણાવ્‍યું હતું કે કલોલ-કડીની આસપાસનો વિસ્‍તાર આ પ્રોજેક્‍ટ માટે અત્‍યંત અનુકૂળ છે. જે પાછળ ઘણા કારણો છે, જેમકે પ્રસ્‍તાવિત વિસ્‍તારમાં પહેલેથી જ મેડિકલ અને ર્નસિંગ કોલેજો આવેલી છે. ઉપરાંત અહીં પ્રતિષ્ઠિત હોસ્‍પિટલો અને હેલ્‍થકેર બ્રાન્‍ડ્‍સ કાર્યરત છે. આ વિસ્‍તાર અમદાવાદ એરપોર્ટની નજીક છે અને ફાર્મા ક્‍લસ્‍ટર સાથે સારી રીતે જોડાયેલો છે.

દુબઈ હેલ્‍થકેર સિટી શું છે? : દુબઈ હેલ્‍થકેર સિટી  (DHCC) એ વિશ્વસ્‍તરીય હેલ્‍થકેર અને વેલનેસ હબ છે, જ્‍યાં પ્રીમિયમ ગ્‍લોબલ હેલ્‍થકેર પ્રોવાઈડર્સ સેવા આપે છે. તેમાં તબીબી શિક્ષણ, સેવા વિતરણ, રહેણાંક અને વ્‍યાપારી ઝોન માટે અલગઢઅલગ વ્‍યવસ્‍થાઓ હોય છે, જેવી જ વ્‍યવસ્‍થા હવે ગુજરાતમાં જોવા મળશે

(4:09 PM IST)