<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

હર્ષ સંઘવીના નેતૃત્‍વમાં ‘ટીમ ગુજરાત' દાવોસ રવાના

વર્લ્‍ડ ઇકોનોમીક ફોરમ-૨૦૨૬માં કરશે ૫૮ હાઇલેવલ મીટીંગ : વિકસિત ગુજરાતનું આપશે આમંત્રણ

ગાંધીનગરઃ ગુજરાતના નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી રાજ્‍યના ઉચ્‍ચ સ્‍તરીય પ્રતિનિધિમંડળ સાથે સ્‍વિત્‍ઝર્લેન્‍ડના દાવોસ ખાતે યોજાનારી ‘વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમ' (WEF) ૨૦૨૬માં સહભાગી થવા રવાના થયા છે. અમદાવાદ આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ પરથી રવાના થતા પૂર્વે તેમણે ગુજરાતની મજબૂત ઈન્‍ડસ્‍ટ્રિયલ લેગેસી અને ‘વિકસિત ગુજરાતક્‍૨૦૪૭' ના રોડમેપને વૈશ્વિક મંચ પર રજૂ કરવાની કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે સેમીકન્‍ડક્‍ટર, ડિફેન્‍સ, ઇલેક્‍ટ્રોનિક્‍સ અને રિન્‍યુએબલ એનર્જી જેવા અત્‍યાધુનિક ક્ષેત્રોમાં ગ્‍લોબલ હબ બની રહ્યું છે. દાવોસ પ્રવાસનો મુખ્‍ય હેતુ વિશ્વભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રિત કરી રાજ્‍યના યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે.

૧૯ થી ૨૩ જાન્‍યુઆરી દરમિયાન યોજાનારી આ બેઠકમાં નાયબ મુખ્‍યમંત્રી અત્‍યંત વ્‍યસ્‍ત શિડ્‍યુલ ધરાવે છે. જેમાં તેઓ વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને સીનિયર એક્‍ઝિકયુટિવ્‍સ સાથે ૫૮ જેટલી ઉચ્‍ચ સ્‍તરીય બેઠકો યોજશે.  એડવાન્‍સ્‍ડ મેન્‍યુફેક્‍ચરિંગ, ફાર્માસ્‍યુટિકલ્‍સ, ટેક્‍સટાઈલ, કેમિકલ્‍સ, શિપિંગ-લોજિસ્‍ટિક્‍સ અને એરોસ્‍પેસ. આ બેઠકો દ્વારા ગુજરાત સરકાર આંતરરાષ્‍ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્‍યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવશે.

એરપોર્ટ પર નાયબ મુખ્‍યમંત્રીનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. વિદાય વેળાએ અમદાવાદના જિલ્લા કલેકટર સુજીત કુમાર, ઈન્‍ડેક્‍સ-બીના એમડી કેયુર સંપત, ડેપ્‍યુટી મેયર જતીન પટેલ અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:10 PM IST)