News of Monday, 19th January 2026
વડોદરામાં બાળકીએ શરદી-ખાંસીની સીરપ પીધા બાદ તબિયત લથડી : મોત
માતા-પિતા વિહોણી ધ્યાની તેના દાદા-દાદી સાથે રહેતી હતી

વડોદરા : શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી પાંચ વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. શરદી-ખાંસીની સામાન્ય તકલીફ માટે મેડિકલ સ્ટોરમાંથી લાવવામાં આવેલી સિરપ પીવડાવ્યા બાદ બાળકીની તબિયત અચાનક લથડી હતી. સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે.
મળતક બાળકી ધ્યાની ઠક્કર વડોદરામાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. ખૂબ જ નાની ઉંમરે ધ્યાનીના માતા અને પિતા બંનેનું અવસાન થઈ ગયેલ હોવાથી પરિવારજનો તેની સંભાળ રાખતા હતા. પરિવાર માટે ધ્યાની ખૂબ જ લાડકી અને વહાલી હતી. તાજેતરમાં તેને સામાન્ય શરદી અને ખાંસીની ફરિયાદ થઈ હતી. આ કારણે તેના પિતરાઈ કાકા નજીકના મેડિકલ સ્ટોર પરથી શરદી-ખાંસીની સિરપ લઈને આવ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા મુજબ, સિરપ પીવડાવ્યા બાદ થોડા જ સમયમાં બાળકીની હાલત બગડવા લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ, અચાનક અસ્વસ્થતા જેવી લક્ષણો દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ માસૂમ ધ્યાનીનું મોત નીપજ્યું હતું.
મળતક બાળકીના માસીએ રડતા રડતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય શરદી-ખાંસીમાં આપેલી દવાથી બાળકનું મોત થવું શંકાસ્પદ છે. દવાની આડઅસર હતી કે અન્ય કોઈ કારણ, તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.ૅ
બનાવની ગંભીરતા જોતા વડોદરા બી ડિવિઝનના ACP આર. ડી. કવા તાત્કાલિક ગોત્રી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારજનોને મળી સમગ્ર ઘટનાની વિગત મેળવી હતી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
