<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

માતૃ-પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે ભવ્ય વિશેષ પૂજન કાર્યક્રમ પુંધરા ખાતે યોજાયો

સમગ્ર પરિવારની બહેનોને સાડી તેમજ ભાઈઓને કોટી તેમજ સમગ્ર ચેણિયા પરિવારને દાતા દ્વારા ભેટ સોગાદ પણ અર્પણ કરાઈ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : પૂર્વજોના આશિર્વાદથી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસર, પુંધરા ખાતે માતૃ - પિતૃ મોક્ષાર્થે "શ્રી રમણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પરિવાર, જોઈતારામ સેંધીદાસ પટેલ (ચેણિયા પરિવાર)" દ્વારા આયોજિત સર્વ પિતૃ પુણ્યતિથિ મોક્ષાર્થે બે દિવસીયનો ભવ્ય કાર્યક્રમ કે જે આ પંથકમાં પ્રથમવાર યોજાયો હતો. જેમાં ભગવદ્ ગીતાનું પૂજન, અર્ચન, સમૂહ આરતીઓ તેમજ બહેનોના મંડળ દ્વારા ભવ્ય ભજન - કિર્તન થયા હતા. ભગવદ્ ગીતા પોથીયાત્રા ગામની સીમમાંથી શરુ થઇ હતી જે વૈજનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે પૂર્ણ થઈ હતી.
પૂજન કાર્યક્રમના દ્વિતીય દિને સમગ્ર ભવ્ય પૂજનના યજમાન દાતા રમણભાઈ પટેલે વ્યક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે, કર્મ સાથે જ ધર્મ જોડાયેલ છે, કેમ કે કર્મ નાણાંના બળથી થતું નથી પણ કેવળ ભગવાનની કૃપાથી જ થાય છે. આ ફકત નિમિત્ત હતું કે, સમગ્ર ચેણિયા પરિવાર ભેગો થાય, ભાતૃભાવ કેળવાય અને પરસ્પર મિલન થાય. તેવો આ યાદગાર પ્રસંગ રહ્યો હતો. મહિલા મંડળ દ્વારા રમણભાઈ પટેલ પરિવારને મોમેન્ટો આપી શુભેચ્છા પાઠવી હતી. બાળાઓએ સુંદર નૃત્ય કર્યું હતું. સમગ્ર પરિવારની બહેનોને સાડી તેમજ ભાઈઓને કોટી તેમજ સમગ્ર ચેણિયા પરિવારને દાતા દ્વારા ભેટ સોગાદ પણ અર્પણ કરાઈ હતી. ડ્રેસકોડથી સમગ્ર પૂજન કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.
પૂજનના યજમાન દ્વારા પણ બરેલી, બદાયુ ખાતે દરરોજ અંદાજે ૮૦૦ જેટલા ગરીબોને દરરોજ તૈયાર ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જાળીયા ખાતે ખોડીયાર, મેલડી મા અને નરસિંહ ભગવાનના મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય તેમજ તેની પ્રતિષ્ઠા પણ કરાવી હતી. રકતપીડિત બાળકો માટે નિ:શુલ્ક શિક્ષણ સેવા પણ આપી રહ્યા છે.
પૂજન કાર્યક્રમમાં પધારેલા દરેકને તેમજ સ્કુલના બાળકોને સ્મૃતિરૂપે ભગવદ્ ગીતા તેમજ શિક્ષાપત્રી મળી ૧૫૦૦ નંગ જેટલી ભેટ પણ અર્પણ કરાઈ હતી. અંદાજે ૨૦૦૦ની સંખ્યામાં પૂજનમાં પધારેલાઓએ ભાવપૂર્વક મહાપ્રસાદ લીધો હતો. પૂજન કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ ધણી મોટી સંખ્યામાં ભાવિક ભકતજનો પધાર્યા હતા.

(6:25 PM IST)