હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતના રાજકારણમાં ‘ઝાડુ’નો આક્રમક પલટવાર: કોંગ્રેસને પછાડી ‘આપ’ બની રાજ્યની બીજી સૌથી મોટી શક્તિ, ભાજપ સામે હવે સીધો જંગ!
‘પલ્સ ઓફ ગુજરાત 2026’ સર્વેના ચોંકાવનારા આંકડા: AAPનો વોટ શેર ઉછળીને ૨૪.૮% થયો, જ્યારે કોંગ્રેસ ૧૭.૩% સાથે ત્રીજા નંબરે ફેંકાઈ – ૨૦૨૭ની ચૂંટણી પહેલા જ જામ્યો ખરાખરીનો ખેલ

અમદાવાદ: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં દાયકાઓથી ચાલી આવતી ભાજપ અને કોંગ્રેસની ‘ટુ-પાર્ટી’ સિસ્ટમ હવે ભૂતકાળ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા ‘પલ્સ ઓફ ગુજરાત ૨૦૨૬’ સર્વેના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. આ સર્વે મુજબ, આમ આદમી પાર્ટી (AAP) હવે કોંગ્રેસને પાછળ છોડીને ગુજરાતમાં સત્તાવાર રીતે બીજા નંબરનો સૌથી મોટો રાજકીય પક્ષ બનીને ઉભરી આવ્યો છે.
સર્વેના ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મત હિસ્સો વધીને ૨૪.૮ ટકા પર પહોંચી ગયો છે. તેની સામે કોંગ્રેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે અને તે માત્ર ૧૭.૩ ટકા મતો સાથે ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે. જોકે, ભાજપ હજુ પણ ૪૯.૫ ટકા મતો સાથે મજબૂત રીતે પ્રથમ સ્થાને બિરાજમાન છે, પરંતુ હવે તેને પડકાર આપવા માટે કોંગ્રેસ નહીં પણ અરવિંદ કેજરીવાલની સેના સજ્જ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં, જ્યાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થતી હતી, ત્યાં હવે AAP મજબૂત વિકલ્પ તરીકે દેખાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં શિક્ષિત અને યુવા વર્ગ હવે કોંગ્રેસને બદલે AAP તરફ વળી રહ્યો છે. ત્રણ વર્ષમાં ‘આપ’નો વોટ શેર લગભગ બમણો થયો છે, જે દર્શાવે છે કે કોંગ્રેસનો પાયો હવે ડગમગી રહ્યો છે.
કેજરીવાલનું લલકાર: “૨૦૨૭માં પરિવર્તન પાક્કું”: આ બદલાતા મૂડ વચ્ચે અમદાવાદમાં યોજાયેલા ભવ્ય કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલે હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાતના લોકોના મનમાંથી હવે ડર નીકળી ગયો છે. ૨૦૨૭માં ગુજરાતમાં ચોક્કસપણે સરકાર બદલાશે અને આમ આદમી પાર્ટી સત્તામાં આવશે." તેમણે જેલના ડર વગર અન્યાય સામે લડવાની હાકલ કરતા કાર્યકર્તાઓમાં નવો જોશ ફૂંક્યો હતો.
સર્વેક્ષણ મુજબ, વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને મંત્રીમંડળમાં વારંવાર થતા ફેરફારોને કારણે જનતામાં શાસન વિરોધી લહેર જોવા મળી રહી છે. લોકો હવે કોંગ્રેસને એક નબળા વિપક્ષ તરીકે જોઈ રહ્યા છે અને ‘આપ’ની દિલ્હી-પંજાબ મોડેલની રાજનીતિ પ્રત્યે આકર્ષાઈ રહ્યા છે. ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો પાયો અત્યારથી જ નંખાઈ ગયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષણ: ગુજરાત હવે ‘ત્રિપાંખિયા’ જંગમાંથી ‘ભાજપ વિરુદ્ધ આપ’ના સીધા મુકાબલા તરફ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વ ટકાવવાની છેલ્લી લડાઈ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
