News of Tuesday, 20th January 2026
બાળકના ઉછેરમાં પિતાનો પ્રેમ અને શિસ્ત સર્વોપરી છે, હાઈકોર્ટે ચાર વર્ષના બાળકની કસ્ટડી પિતા પાસે યથાવત્ રાખી
ભલે કાયદા મુજબ માતા કુદરતી વાલી હોય, પરંતુ બાળકના હિત અને તેના ઉછેરને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે : અમદાવાદમાં ફેમિલી કોર્ટે બાળકની કસ્ટડી પિતાને સોંપતા આદેશને માતાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો

અમદાવાદ તા.૨૦: અમદાવાદમાં ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારતી એક મહત્ત્વની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે બાળકના સર્વાંગી કલ્યાણ માટે પિતા પાસે રહેલી તેની કસ્ટડી યોગ્ય છે. હાઈકોર્ટે માતાની તે અરજી ફગાવી દીધી છે જેમાં તેણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના પુત્રની કાયમી કસ્ટડીની માગ કરી હતી. કોર્ટે અવલોકન કર્યું કે બાળકના ઉછેરમાં પિતાનો પ્રેમ અને શિસ્ત સર્વોપરી છે, ભલે કાયદા મુજબ માતા કુદરતી વાલી હોય, પરંતુ બાળકના હિત અને તેના ઉછેરને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.
મોના અને મોહિત (ઓળખ છુપાવવા નામ બદલ્યા છે) લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા અને વર્ષ ૨૦૨૧માં તેમના પુત્રનો જન્મ થયો હતો. જોકે, દામ્પત્ય જીવનમાં અણબનાવ બનતા ઓક્ટોબર ૨૦૨૨માં બંનેએ પરંપરાગત રીતે છૂટાછેડા (કસ્ટમરી ડિવોર્સ) લીધા હતા. તે સમયે થયેલા કરાર મુજબ, માતાએ સ્વેચ્છાએ બાળકની કસ્ટડી પિતાને સોંપી હતી અને પોતે માત્ર મુલાકાતના અધિકારો રાખ્યા હતા. લગભગ એક વર્ષ બાદ માતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરીને બાળકની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોવાનું જણાવી કસ્ટડીની માગણી કરી હતી, જે ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી.
ફેમિલી કોર્ટના ચુકાદાને માતાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને દલીલ કરી હતી કે, હિન્દુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટની કલમ ૬ મુજબ, ૫ વર્ષથી ઓછી વયના બાળકની કસ્ટડી સામાન્ય રીતે માતા પાસે હોવી જોઈએ. તેમની આવક વધુ છે અને પિતા બે શિફટમાં કામ કરતા હોવાથી બાળકનું ધ્યાન રાખી શકતા નથી. બીજી તરફ પિતાના વકીલે દલીલ કરી હતી કે જ્યારે બાળક માત્ર ૧૬ મહિનાનું હતું ત્યારે માતા તેને છોડીને જતી રહી હતી. પિતા બાળકની તમામ જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, તેને પ્રતિષ્ઠિત સીબીએસઈ (CBSE) સ્કૂલમાં ભણાવી રહ્યા છે અને બાળક પિતા સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત અને ખુશ છે.
બંન્ને પક્ષની રજૂઆત બાદ હાઇકોર્ટની ખંડપીઠે આ મામલે બાળકની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. કોર્ટે નોંધ્યું કે બાળકમાં સારા સંસ્કાર, શિસ્ત અને વિવેક જોવા મળ્યા છે અને તેનો અભ્યાસમાં દેખાવ પણ ‘વેરી ગૂડ' રહ્યો છે. પિતા મહિને ૫૫,૦૦૦ રૂપિયા કમાય છે અને બાળકની સ્કૂલ ફી તેમજ અન્ય ખર્ચ નિયમિત રીતે ભરે છે. વળી, પિતાની ગેરહાજરીમાં પરિવારના અન્ય સભ્યો બાળકની સંભાળ રાખે છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે કાયદામાં ‘ઓર્ડિનરી' (સામાન્ય રીતે) શબ્દનો પ્રયોગ થયો છે, જેનો અર્થ એ નથી કે દરેક કિસ્સામાં માતાને જ કસ્ટડી મળવી જોઈએ. બાળકના સર્વાંગી વિકાસ અને તેની પિતા સાથેની આત્મીયતાને જોતા ફેમિલી કોર્ટનો આદેશ યોગ્ય છે.
હાઈકોર્ટની ખંડપીઠે આ કેસમાં બાળકની રૂબરૂ મુલાકાત લીધા બાદ કેટલાક પાયાના અવલોકનો કર્યા હતા. કોર્ટે નોંધ્યું કે, બાળક ખૂબ જ શિસ્તબદ્ધ, વિવેકી અને સારા સંસ્કારો ધરાવે છે. તેના ઉછેરમાં કોઈ ખામી જોવા મળી નથી. બાળકના રિપોર્ટ કાર્ડ મુજબ તે અભ્યાસમાં ‘વેરી ગૂડ' ગ્રેડ મેળવી રહ્યો છે અને પિતા તેની તમામ જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે. રેકોર્ડ પર રહેલા ફોટોગ્રાફસ અને પુરાવાઓ સાબિત કરે છે કે પિતા અને પુત્ર વચ્ચે ગાઢ ભાવનાત્મક સંબંધ છે. કાયદામાં ‘સામાન્ય રીતે' (Ordinarily) કસ્ટડી માતા પાસે રહેવી જોઈએ તેવું લખ્યું છે, પરંતુ બાળકના કલ્યાણને ધ્યાને રાખીને તે પિતાને પણ સોંપી શકાય છે.
કોર્ટે બાળકની કસ્ટડી પિતા પાસે રાખી હોવા છતાં, માતાના માતૃત્વના હકને માન્ય રાખતા આદેશો કર્યા છે કે માતા દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે સવારે ૧૦થી સાંજના ૫ વાગ્યા સુધી બાળકને મળી શકશે. અઠવાડિયામાં એકવાર ૩૦ મિનિટ માટે વીડિયો કે વોઈસ કોલ પર વાત કરી શકશે. બાળકના જન્મદિવસે માતા તેની સાથે ૩ કલાક વિતાવી શકશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
