News of Tuesday, 20th January 2026
મહીસાગર:₹123 કરોડના ‘નલ સે જલ યોજના’ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા: ચાર કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ
ચારેય કર્મચારીઓ સોશિયલ વર્કર તરીકે ફરજ બજાવતા અને તેમના પાસે ખાનપુર, લુણાવડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો અલગ-અલગ ચાર્જ હતો: સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 22 લોકોની ધરપકડ થઈ ચૂકી છે

મહીસાગર જિલ્લામાં સામે આવેલા ₹123 કરોડના ‘નલ સે જલ યોજના’ કૌભાંડમાં CID ક્રાઈમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. WASMO ની મહીસાગર કચેરીમાં કાર્યરત ચાર કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા કર્મચારીઓમાં ગીરીશકુમાર વાળંદ, જનાર્દન પટેલ, મહેન્દ્રકુમાર રાઠોડ અને નાથા ડામોરનો સમાવેશ થાય છે.
આ ચારેય કર્મચારીઓ સોશિયલ વર્કર તરીકે ફરજ બજાવતા હતા અને તેમના પાસે ખાનપુર, લુણાવડા, કડાણા અને સંતરામપુર તાલુકાનો અલગ-અલગ ચાર્જ હતો. CID તપાસમાં ખુલ્યું છે કે આ કર્મચારીઓએ સરપંચો પાસેથી કોરા લેટરપેડ મેળવી ખોટી સહી કરીને સરકાર પાસેથી ફંડની માગણી કરી હતી.
આ સમગ્ર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં કુલ 22 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ 12 તત્કાલિન કર્મચારીઓમાંથી 4 અને 111 ઈજારદારોમાંથી 14 ઈજારદારોને ઝડપવામાં આવ્યા હતા. હવે ફરિયાદમાં નામ ન હોવા છતાં અન્ય ચાર કર્મચારીઓને પણ સકંજામાં લેવામાં આવ્યા છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
