<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

શંકરાચાર્યજીના અપમાન સામે વર્લ્‍ડ બ્રાહ્મણ એશો. લડાયક મિજાજમાં જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા વડાપ્રધાનને પત્ર : હેમાંગ રાવલ

અમદાવાદ,તા. ૧૯: પ્રયાગરાજમાં મૌની અમાવસ્‍યાના પવિત્ર પર્વ પર જગતગુરુ શંકરાચાર્ય સ્‍વામી અવિમુક્‍તેશ્વરાનંદ સરસ્‍વતીજી સાથે કરવામાં આવેલા અત્‍યંત અશોભનીય વર્તન અને નિઃશસ્ત્ર સાધુ-સંતો પર થયેલા પોલીસ દમન સામે વર્લ્‍ડ બ્રાહ્મણ એસોસિએશન (WBO) દ્વારા પ્રચંડ આક્રોશ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. આ મામલે સંગઠનના પ્રમુખ શ્રી હેમાંગ રાવલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પત્ર લખીને સરકારને આત્‍મમંથન કરવા ચેતવણી આપી છે. શ્રી હેમાંગ રાવલે પત્રમાં સ્‍પષ્ટ આક્ષેપ કર્યો છે કે જે સરકાર સનાતન સંસ્કૃતિના રક્ષણ અને ગૌ-રક્ષાના નારા લગાવીને કરોડો હિન્‍દુઓના મતો મેળવીને સત્તાના સિંહાસન પર બિરાજી છે, તે જ સરકારના શાસનમાં સનાતનના સર્વોચ્‍ચ ધર્મગુરુને પોતાના જ દેશમાં પવિત્ર સંગમ તાાન કરતા રોકીને સનાતન પરંપરાનું ઘોર અપમાન કરવામાં આવ્‍યું છે.

વર્લ્‍ડ બ્રાહ્મણ એસોસિએશને વડાપ્રધાનને પત્ર દ્વારા સખત માંગણી કરી છે કે આ સમગ્ર ઘટનાની તાત્‍કાલિક ઉચ્‍ચસ્‍તરીય તપાસ કરાવી જવાબદાર અધિકારીઓને પદભ્રષ્ટ કરવામાં આવે. સનાતન ધર્મના સર્વોચ્‍ચ પદનું અપમાન કરનાર પ્રશાસને જાહેરમાં માફી માંગવી જોઈએ અને સંતો પર અત્‍યાચાર કરનાર પોલીસ વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. શ્રી હેમાંગ રાવલે અંતમાં કડક ચેતવણી ઉચ્‍ચારી છે કે જો સનાતનના રક્ષકોનું સન્‍માન જળવાશે નહીં, તો સમગ્ર દેશનો બ્રાહ્મણ સમાજ અને સનાતન અનુયાયીઓ ચૂપ નહીં રહે અને આ અન્‍યાય સામે દેશવ્‍યાપી લોકતાંત્રિક આંદોલન છેડવામાં આવશે.

(2:52 PM IST)