<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

અમદાવાદમાં ITનું સર્ચ ઓપરેશન ! કામેશ્વર અને દીપ બિલ્‍ડર્સની ઓફિસ સહિત ૩૩ જગ્‍યાએ દરોડા

ડીઝીટલ વ્‍યવહાર ઉપરાંત બેનામી મિલ્‍કતો-રોકડ વ્‍યવહાર ઉપર તપાસ

અમદાવાદ, તા. ર૦:  શહેરમાં આજે વહેલી સવારથી જ ઇન્‍કમટેક્‍સ વિભાગ એક્‍શન મોડમાં આવ્‍યું છે. શહેરના જાણીતા કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્‍ડર્સ પર આવકવેરા વિભાગે ત્રાટકીને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, અમદાવાદના વિવિધ વિસ્‍તારોમાં આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી કુલ ૩૩ જેટલી જગ્‍યાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્‍યા છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં આ સર્ચ ઓપરેશનમાં ઇન્‍કમટેક્‍સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો જોડાયો છે. તપાસ દરમિયાન બિલ્‍ડરોના રહેણાંક સ્‍થળો, ઓફિસો અને સાઇટ ઓફિસ પર ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. વિભાગ દ્વારા ખાસ કરીને છેલ્લા કેટલાક સમયના ડિજિટલ વ્‍યવહારો, બેંક સ્‍ટેટમેન્‍ટ્‍સ અને જમીન-મકાનના વ્‍યવહારોના દસ્‍તાવેજો કબ્‍જે કરવામાં આવ્‍યા છે. લેપટોપ અને મોબાઈલ ફોન જેવા ગેજેટ્‍સમાંથી પણ ડેટા રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ સર્ચ ઓપરેશનમાં મોટા પાયે બેનામી મિલકતો અને રોકડ વ્‍યવહારોના પુરાવા મળી આવે તેવી પૂરેપૂરી શકયતા છે. અમદાવાદના બે મોટા ગજાના બિલ્‍ડર ગ્રુપ પર થયેલા આ દરોડાને પગલે શહેરની રિયલ એસ્‍ટેટ લોબીમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે.

હાલના સમયમાં તપાસ ચાલુ હોવાથી અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્‍યો નથી, પરંતુ આગામી દિવસોમાં આ દરોડામાં કરોડો રૂપિયાના બેનામી વ્‍યવહારો અને કરચોરી પકડાય તેવી સંભાવના છે, ત્‍યારે ઇન્‍કમટેક્‍સ વિભાગ આ કાર્યવાહીમાં શું બહાર આવે છે, તે પર સૌની નજર છે

(3:43 PM IST)