News of Tuesday, 20th January 2026
ભોગવાદ એ સાધન છે, ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે ,પુરાતન જ્ઞાનને પામવાનો માર્ગ સંસ્કૃતમાંથી પસાર થાય છે,જે વસ્તુનું અસ્તિત્વ ન હતું તેનો સાક્ષાત્કાર ઋષિમુનીઓએ અગાઉથી જ કરી લીધો હતો ,વિદ્યાર્થીઓ મેળવેલા જ્ઞાનનો દીપક બની સમાજમાં પ્રસાર કરે : આચાર્ય દેવવ્રતજી :રાજ્યપાલની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ યોજાયો
ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૬ અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ એનાયત : શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કાર એનાયત : પદવીદાનમાં ૨૫ ગોલ્ડ મેડલ અને ૦૬ સિલ્વર મેડલ સાથે કુલ ૯૦૨ વિદ્યાર્થીઓને પદવી-પ્રમાણપત્ર એનાયત કરાયા : રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ત્રણ ગ્રંથોનું વિમોચન કરાયું

ગીર સોમનાથ તા.૨૦
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૮મો પદવીદાન સમારોહ રાજેન્દ્રભુવન રોડ પર આવેલા યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો.
આધુનિક પેઢીમાં છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત અને સંસ્કારોનું સિંચન કરી રહેલી ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જ્યારે ભોગવાદ અને ભોગ માટે ઉપલબ્ધ વસ્તુઓના સંશોધનમાં પડેલો છે. ત્યારે ભારતીય આધ્યાત્મ અને જ્ઞાને આત્મા અને તેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિનો માર્ગ વર્ષો પહેલા બતાવ્યો હતો.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આપણે જે ઈતિહાસ ભણીએ છીએ એ બહારના લોકોએ લખેલો છે. આપણા ઋષિમુનિઓએ ભારતના પ્રાચીન મૂલ્યો અને સંસ્કૃતિનું જે રીતે વર્ણન કરેલું છે તેને જીવનમાં ઉતારવાની આજે નિતાંત આવશ્યકતા છે.
આપણા ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે માતાપિતા પોતાના સંતાનો વિદેશમાં અભ્યાસ કરે તે માટે ગર્વ લે છે પરંતુ એક સમય એવો હતો કે જ્યારે વિશ્વના લોકો ભારતમાં જ્ઞાનપ્રાપ્ત કરવા માટે આવતા હતાં. જે ભારતની તે સમયની શ્રેષ્ઠતાને દર્શાવે છે.
આ જ કારણ છે કે, તે સમયમાં ભારતને વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. ભારત પુરાતનકાળમાં ૨૨ પ્રકારની વિદ્યાઓમાં પારંગત હતું. મહર્ષિ ચરક, સુશ્રુત સહિતના ઋષિમુનીઓએ અનેક પ્રકારના સંશોધન કરીને જે જ્ઞાન અર્જિત કર્યું હતું તેને આજે આધુનિક વિજ્ઞાન સ્પર્શી પણ શક્યું નથી.
ભારતનું આ જ્ઞાન વેદ-ઉપનિષદની વિદ્યાથી પ્રાપ્ત થયું છે. ઋષિમુનીઓએ પર્વતો અને કંદરાઓમાં બેસીને જ્ઞાનના દોહનથી મેળવેલી વિદ્યા એ ઈશ્વરીય જ્ઞાન સમાન છે. આ જ્ઞાન સંસ્કૃત ભાષા દ્વારા નીપજ્યું છે.
તેમણે જણાવ્યું કે, આપણા વેદ-ઉપનિષદમાંથી ઉત્તમ જીવનદર્શન પ્રાપ્ત થાય છે. તેવું ક્યાંય નથી. ભોગવાદ એ સાધન છે, સાદ્ય નથી, એ રસ્તો છે, પરંતુ મંજીલ નથી. એ સીડી છે, પરંતુ ઉદ્દેશ્ય પ્રાપ્તિ નથી. તેવું જ્ઞાન ભારતે પોતાના જ્ઞાન વારસાથી વિશ્વને દર્શાવ્યું છે. વિશ્વએ માત્ર ભૌતિકવાદ શીખવ્યો જ્યારે ભારતે આધ્યાત્મવાદ તરફનું ચિંતન શીખવ્યું છે.
સંસ્કૃતના જ્ઞાનની વહેંચણીથી પુણ્ય મેળવી શકાય છે. તેમ જણાવી તેમણે કહ્યું કે, ભારત એ ઈંટ-પત્થરનો દેશ નથી પરંતુ, આધ્યાત્મ, ચિંતન અને એક વિચારનો દેશ છે. જેનું જ્ઞાન વેદથી લઈને શાસ્ત્રની અંદર સમાવિષ્ટ છે.
આ તારૂં છે, આ મારૂં છે, એ ભોગવાદની વિચારસરણી છે. જ્યારે ભારતે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના દ્વારા સમગ્ર વિશ્વ મારો પરિવાર છે અને હું વિશ્વનો છું, એવી ભાવના જગતને આપી છે. 'સર્વે ભવન્તુ સુખિન:’ એટલે કે સમગ્ર જગતનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વ નિરોગી રહે અને કોઈ વિશ્વમાં દુઃખિયારૂ ન રહે એવી સર્વકલ્યાણની આપણી ભાવના છે. આવું ચિંતન માત્ર ભારતના પુરાતન જ્ઞાનમાં જ પ્રાપ્ય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસ સાથે વિરાસતને બચાવવાની પણ કામગીરી કરી રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ જે-તે વખતે સંસ્કૃત યુનિવર્સિટીની વેરાવળ ખાતે સ્થાપના કરી ભારતના પ્રબળ આધ્યાત્મવાદને પ્રેરક બનાવવા માટેની પહેલ કરી હતી.
મહાત્મા ગાંધીજી કહેતા હતાં કે – હું મારી જાતને દુર્ભાગ્યશાળી માનું છું. કારણ કે, હું સંસ્કૃત જાણતો નથી. આજે પદવી મેળવનારા તમામ લોકો સંસ્કૃતમાં શ્રદ્ધા રાખે અને તેનું અધ્યયન કરે અને મેળવેલા જ્ઞાનને સમાજમાં પ્રસારિત કરીને દીપકની જેમ સળગીને સમાજને પથ પ્રકાશિત કરજો તેનાથી મોટું કોઈ પુણ્યનું કાર્ય નથી, તેમ તેમણે જણાવ્યું હતું.
આજે જે રિસર્ચ શબ્દ પ્રચલિત છે, એ શબ્દ પણ ઋષિ શબ્દનો અપભ્રંશ શબ્દ છે. ભારતના એક-એક ઋષિ રિસર્ચ સ્કોલર હતાં. મિમાંસા, ન્યાયીક શાસ્ત્રનું આટલું બધું રિસર્ચ તેના વગર શક્ય નથી. આ બધા શાસ્ત્રોમાં જ્ઞાનનો અપાર ભંડાર રહેલો છે. ધર્મ, અર્થ, કામ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી એવું આધ્યાત્મદર્શન ભારતે વિશ્વને કરાવ્યું છે.
આજની વિદ્યામાં શરીર દેખાય છે, પરંતુ એમા રહેલાં આત્માનું જ્ઞાન તેમાં નથી. ભારતીય ઋષિ-મુનીઓએ આત્માથી પરમાત્મા સુધી જવાનો માર્ગ પોતાના સંશોધનરૂપી ચિંતન-મનન થી દર્શાવ્યો છે.
આ તમામ જ્ઞાન સંસ્કૃત ભાષામાં નિહિત છે. ત્યારે, જો ભાષા જ સમાપ્ત થઈ જશે, તો આ ગ્રંથને વાંચશે કોણ? સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભારતીય પરંપરાના આ જ્ઞાનને પુનઃજીવીત કરી સમાજ સુધી લઈ જવાનું અનન્ય કાર્ય કરી રહી છે, આ માટે યુનિવર્સિટી અને અધ્યાપકોશ્રીને તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં.
સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિએ યુનિવર્સિટીની સિદ્ધિઓ વર્ણવતા જણાવ્યું હતું કે, સંસ્કૃત યુનિવર્સિટીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પાયાના પથ્થર સાબિત થાય એ રીતે વિદ્યાર્થીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેરાવળના નગરજનો પણ સંસ્કૃત બોલતા થાય એ દિશામાં ‘સંસ્કૃત સંભાષણ વર્ગો’ના માધ્યમથી નિરંતર પ્રચાર-પ્રસારનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીમાં ગુણોત્કર્ષના માધ્યમથી વિદ્યાર્થીઓનો વિકાસ, શાસ્ત્રનું શિક્ષણ અને પ્રશિક્ષણ, રમતગમત સહિતની બહુઆયામી ઈત્તરપ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે.
અક્ષરધામ સ્વામીનારાયણ શોધ સંસ્થાન દિલ્લીના નિયામક મહામહોપાધ્યાય પ્રો.ભદ્રેશદાસ સ્વામીએ કહ્યું કે, આ ભૂમિ વૈદિક અને સંસ્કૃતિસભર તેમજ વિદ્યાની ભૂમિ છે. જ્યાં સંસ્કૃત યુનિવર્સિટીના માધ્યમ થકી સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. સામવેદ સહિત ઉપનિષદના ઉદાહરણો થકી સ્વામીજીએ શિક્ષણનું મહત્વ વર્ણવ્યું હતું.
આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ૨૫ સુવર્ણ પદક અને ૦૬ રજત પદક મળી કુલ ૩૧ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.
યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી ૧૮મા પદવીદાન સમારોહમાં ૩૬૩ (બી.એ.) શાસ્ત્રી, ૨૦ (બી.એ.બી.એડ.) શાસ્ત્રી-શિક્ષાશાસ્ત્રી, ૨૪૬ (એમ.એ.) આચાર્ય, ૨૦૮ પી.જી.ડી.સી.એ., ૫૪ (બી.એડ.) શિક્ષાશાસ્ત્રી અને ૧૧ (પીએચ.ડી.) વિદ્યાવારિધિ એમ કુલ ૯૦૨ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યાં હતાં.
આ સાથે વિશેષમાં શ્રી ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનાં સંસ્કૃત વિદ્વાન શ્રી હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૬ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.
તદુપરાંત, છાત્રોત્કર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત શોધાર્થી ગણેશ હેગડેને ‘શોધવિભૂષણમ્’ શ્રેષ્ઠ પીએચ.ડી. મહાશોધપ્રબંધ પુરસ્કાર-૨૦૨૬ અને સ્વ. મણીશંકર જીવણરામ પંડ્યા પુરસ્કાર રાશિ આપવામાં આવી હતી.
આ અવસરે રાજ્યપાલશ્રી અને મહાનુભાવોના હસ્તે ડૉ.ખગેન્દ્ર પાત્ર દ્વારા સંપાદિત “ગૌરકૃષ્ણોદયમ્”, પ્રો.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી દ્વારા સંપાદિત “ન્યાયદર્શન કે સિદ્ધાન્ત એવં લોકધર્મ”, ડૉ.હરીશ કુમાર દ્વારા સંપાદિત 'ભારતીય જ્ઞાન પરંપરા મેં વૈદિક યજ્ઞ ચિકિત્સા’ એમ ત્રણ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, દિલ્હીની શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.મુરલી મનોહર પાઠક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ઉત્પલ જોશી, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, અગ્રણી સંજયભાઈ પરમાર, કુલસચિવ ડૉ.મહેશકુમાર મેતરા તેમજ યુનિવર્સિટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સીલના સભ્યો, સંલગ્ન મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યો-સાધુસંતો સહિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
