News of Tuesday, 20th January 2026
સુરત શહેરમાં મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ : પોલીસે અંદાજે રુ. 212 કરોડ 87 લાખ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો શોધી કાઢ્યા : મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા ચાર રીઢા ગુનેગારોની ધરપકડ
3 અત્યાધુનિક મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ્સ, 19 બેંક પાસબુક, 132 ચેકબુક જેનો ઉપયોગ વ્યવહાર માટે થતો હતો 11 સીમકાર્ડ અને 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન અને 35 QR કોડનો ઉપયોગ કરવામાં આવતો હતો

સુરત તા.૨૦
સુરત શહેરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ શેલ દ્વારા એક અત્યંત ચોંકાવનારા અને મોટા પાયે ચાલતા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં અંદાજે રુ. 212 કરોડ 87 લાખ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો શોધી કાઢ્યા છે અને આ મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. આ ટોળકી નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવીને તેનો ઉપયોગ સાયબર છેતરપિંડીના નાણાં છુપાવવા માટે કરતી હતી.
સુરત સાયબર ક્રાઇમે અગાઉ અમરોલી વિસ્તારમાંથી એક રેકેટ ઝડપી પાડ્યું હતું, જેમાં પ્રવીણ ઝીલું ધાધલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવીણની ઝીણવટભરી પૂછપરછ દરમિયાન આ આખા નેટવર્કનો ખુલાસો થયો હતો. તેના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરીને વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં અંકિત પરી ગોરધન પરી ગોસ્વામી, ચેતન પ્રફુલભાઈ લીંબાણી, બિપિન અશોક સાવલિયા અજય ગોરધનભાઈ ગૌસ્વામીનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી કુલ 154 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. આ એકાઉન્ટ્સની પ્રાથમિક તપાસમાં જ 212 કરોડ 87 લાખ રૂપિયાના મસમોટા ટ્રાન્ઝેક્શન જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ એકાઉન્ટ્સ પર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ફરિયાદો નોંધાયેલી છે. NCCRP (National Cyber Crime Reporting Portal) પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ્સ વિરુદ્ધ અત્યાર સુધીમાં 410 સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે, જેમાં સીધી રીતે 40.54 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ બેંક એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ કરનારી ગેંગને ભાડે આપવાનું કામ કરતા હતા. આ માટે તેઓ મોટું કમિશન લેતા હતા.
સેવિંગ્સ એકાઉન્ટ માટે પ્રતિ એકાઉન્ટ દીઠ 30,000 રૂપિયાનું કમિશન લેતા હતા. જ્યારે કરંટ એકાઉન્ટ માટે પ્રતિ એકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયા સુધીનું કમિશન મેળવતા હતા. આ ઉપરાંત, ટ્રાન્ઝેક્શનના કુલ રકમના 30 ટકા જેટલું કમિશન પણ આરોપીઓ વસૂલતા હતા. આ રીતે તેઓ ઘરબેઠા લાખોની કમાણી કરી રહ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાતા અનેક સાધનો કબ્જે કર્યા છે, જેમાં 3 અત્યાધુનિક મોબાઈલ, 12 ડેબિટ કાર્ડ્સ, 19 બેંક પાસબુક, 132 ચેકબુક (જેનો ઉપયોગ વ્યવહાર માટે થતો હતો), 11 સીમકાર્ડ અને 7 રબર સ્ટેમ્પ, 1 સ્વાઇપ મશીન અને 35 QR કોડનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ સૂચવે છે કે આ રેકેટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. હાલ સુરત સાયબર ક્રાઇમ સેલે આ કેસમાં હજુ ઊંડી તપાસ કરી રહ્યું છે. આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે કે અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સુરત પોલીસની આ કામગીરીથી સાયબર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
