News of Tuesday, 20th January 2026
વડોદરાના સાવલી-ડેસર પંથકની પાનમ કેનાલમાં છેલ્લા બે મહિનાથી પડેલું મસમોટું ગાબડું તંત્રની નિષ્ક્રિયતાને કારણે યથાવત : શાંતિપુરા પાસે પાનમ કેનાલની ‘32 આર.એ.’ શાખામાં ગાબડું પડવાને કારણે હજારો ગેલન પાણી વેડફાયુ
છ મહિના પૂર્વે ઉનાળા દરમિયાન આ કેનાલનું મરામત કામ કરવામાં આવ્યું હતું. જોકે, હલકી ગુણવત્તાના કામને કારણે ટૂંકા ગાળામાં જ ઠેર-ઠેર ગાબડાં પડવાની શરૂઆત થઈ : હાલ શાંતિપુરા અને વકતાપુરા વિસ્તારના ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની

વડોદરા તા.૨૦ : સાવલી-ડેસર પંથકની પાનમ કેનાલમાં છેલ્લા બે મહિનાથી પડેલું મસમોટું ગાબડું તંત્રની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યું છે. ડેસર તાલુકાના શાંતિપુરા પાસે પાનમ કેનાલની ‘32 આર.એ.’ શાખામાં ગાબડું પડવાને કારણે હજારો ગેલન પાણી વેડફાઈને કોતરમાં વહી રહ્યું છે. આ સ્થિતિને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી ન પહોંચતા અંદાજે 60% જેટલી જમીન પિયત વિના પડતર પડી રહેતા ખેડૂતો પાયમાલ થવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છ મહિના પૂર્વે ઉનાળા દરમિયાન આ કેનાલનું મરામત કામ કરવામાં આવ્યું હતું. જોકે, હલકી ગુણવત્તાના કામને કારણે ટૂંકા ગાળામાં જ ઠેર-ઠેર ગાબડાં પડવાની શરૂઆત થઈ છે. હાલ શાંતિપુરા અને વકતાપુરા વિસ્તારના ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની છે. કેનાલના ગાબડાને કારણે પાણીનું દબાણ ઘટી ગયું છે, જેના ફળસ્વરૂપે માત્ર 35 થી 40 ટકા જમીનને જ પાણી મળી રહ્યું છે, જ્યારે બાકીના હજારો હેક્ટર ખેતરો પાણીના ટીપા માટે ટળવળી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે આ બાબતે અનેકવાર પાનમ કેનાલના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓને ફોટો-વીડિયો સાથે પુરાવા મોકલવામાં આવ્યા છે. શાંતિપુરાના અગ્રણી ખેડૂત દક્ષેશકુમાર પટેલે આ મામલે સાવલીના ધારાસભ્યનો સંપર્ક કરી ટેલિફોનિક રજૂઆત પણ કરાવી હતી. આમ છતાં, તંત્ર જાણે ‘કુંભકર્ણની નિંદ્રા’ માં હોય તેમ લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ ઉચ્ચ અધિકારીએ સ્થળ મુલાકાત લીધી નથી. માત્ર એક નીચલા સ્તરના કર્મચારીએ મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું, પરંતુ વાસ્તવિકતામાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેતીની સીઝન ચાલુ હોવા છતાં તંત્રની આ આળસને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો વહેલી તકે આ ગાબડું પુરવામાં નહીં આવે, તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. પંથકના ખેડૂતોએ માગ કરી છે કે તંત્ર આળસ ખંખેરીને તાત્કાલિક મરામત હાથ ધરે જેથી કિંમતી પાણીનો વ્યય અટકે અને ખેતરોને પિયત મળી રહે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
