<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

પાદરા તાલુકામાં શિક્ષણ જગત શર્મસાર : શિક્ષકે દારૂના નશામાં શાળા પરિસરમાં ધમાલ મચાવી

શિક્ષકના આવા વર્તનને કારણે શાળાના અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ

વડોદરાના પાદરા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરા તાલુકાના સાધી ગામે આવેલ કેન્દ્ર સરકાર સંચાલિત પ્રતિષ્ઠિત જવાહર નવોદય વિદ્યાલયમાં એક શિક્ષક દારૂના નશામાં સ્કૂલ પરિસરમાં ધમાલ મચાવતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરી દારૂના નશામાં શાળા પરિસરમાં હાજર રહ્યા હતા. નશાની હાલતમાં તેમણે અસંગત અને અશોભનીય વર્તન કર્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. શિક્ષકના આવા વર્તનને કારણે શાળાના અન્ય શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. શિક્ષણના મંદિર સમાન સંસ્થામાં આવી ઘટના સામે આવતા સૌ કોઈ સ્થભ રહી ગયા હતા.

ઘટનાની ગંભીરતા સમજી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યએ તરત જ પાદરા પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક શાળાના પરિસરમાં પહોંચ્યો હતો. પોલીસ દ્વારા દારૂના નશામાં રહેલા શિક્ષક જાગેશ્વર દશરથજી ચૌરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી શિક્ષક મૂળ મધ્ય પ્રદેશના બડગામ વિસ્તારનો રહેવાસી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પીધેલી હાલતમાં શાળા પરિસરમાં હાજર રહેવું ગંભીર ગુનો બનતો હોવાથી પાદરા પોલીસે શિક્ષક વિરુદ્ધ પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કેન્દ્ર સરકાર સંચાલિત અને શિસ્ત માટે જાણીતી જવાહર નવોદય વિદ્યાલય જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકોના ભવિષ્ય ઘડવાની જવાબદારી ધરાવતા શિક્ષક પાસેથી આવી બેદરકારી સામે આવતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

હાલ પાદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષણ વિભાગ પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(11:02 PM IST)