<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

નવસારીમાં આદિવાસી સમાજની 29 જાન્યુ.એ માલિકી હક માટે વિરાટ રેલી

આદિવાસી સમાજને અસર કરતા કોઈપણ નાના કે મોટા નિર્ણય લેતી વખતે સમાજના સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લેવા અનિવાર્ય

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં દાયકાઓથી વસવાટ કરતા આદિવાસી પરિવારોને માલિકી હક્ક અપાવવા અને તેમના પાયાના પ્રશ્નોના નિરાકરણ માટે આગામી 29 જાન્યુઆરીના રોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સવારે 10 કલાકે શહેરના બિરસા મુંડા સર્કલથી શરૂ થશે,જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થશે.
આ રેલી દ્વારા વર્ષોથી એક જ સ્થળે વસવાટ કરતા સ્થાનિક આદિવાસીઓને તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ મળે અને તેઓ પોતાના ઘરના કાયદેસરના માલિક બને તેવી મુખ્ય માંગણી બુલંદ કરવામાં આવશે. રેલીના અંતિમ ચરણમાં આદિવાસી સમાજના પ્રતિનિધિઓ દ્વારા નવસારી કલેક્ટર તેમજ નવસારી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર સોંપવામાં આવશે.
આ આવેદનમાં સ્પષ્ટપણે જણાવાશે કે આદિવાસી સમાજને અસર કરતા કોઈપણ નાના કે મોટા નિર્ણય લેતી વખતે સમાજના સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લેવા અનિવાર્ય છે. લોકશાહી ઢબે યોજાનારી આ રેલીમાં નવસારીના તમામ આદિવાસી ભાઈ-બહેનોને પોતાના હક્ક માટે મોટી સંખ્યામાં ઉમટી પડવા સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
નવસારીમાં છેલ્લા કેટલાક દિવસથી આદિવાસી વિસ્તારોમાં અફવાનું જોક વધ્યું હતું. જેમાં વધારે લોકો આદિવાસી વિસ્તારમાં હોય તેમની જમીન માલિકીની હોય તે લોકોને જગ્યા ખાલી કરાવી એપાર્ટમેન્ટમાં જગ્યા અપાશે. બીજીતરફ ખાલી જગ્યા બિલ્ડરોને વેચી દેવાશે અને તેનુ લિસ્ટ પણ બની ગયું છે. જે બાબતે ઘેલખડી વિસ્તારમાં મિટિંગ અને આંદોલનની વાત પણ થઇ હતી. જોકે, મનપાએ ખુલાસો કરી આવી કોઇ કામગીરી ન હોવાનું જણાવ્યું હતું.
સરકારના પ્રોજેક્ટ સામે આદિવાસી પરિવારના હિતનું રક્ષણ કરવાનો એક માત્ર હેતુ
રેલીનો એક જ ઉદેશ્ય છે કે મહાનગરપાલિકા દ્વારા અમલમાં આવનાર ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ પ્લાન સામે આદિવાસી પરિવારોના હિતોનું રક્ષણ કરવાનો છે. સમાજની માંગ છે કે વિકાસના નકશાઓમાં કોઈ પણ આદિવાસી પરિવાર જમીન કે ઘરવિહોણો ન થવો જોઈએ.
જો શહેરના વિકાસ અર્થે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે અને તેમાં આદિવાસીઓના ઘર જતા હોય,તો તે પૂર્વે તંત્ર દ્વારા તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે નવસારી મહાનગરપાલિકાની હદમાં જ જમીન લેવલના ઘર બનાવીને આપવા જોઈએ,જેથી તેમનું સ્થળાંતર સરળ રહે અને તેમની રોજીરોટી પર અસર ન પડે. > કમલેશ પટેલ, પ્રમુખ, આદિવાસી જનજાગૃતિ સમિતિ, નવસારી

(1:18 PM IST)