હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કસ્ટડીમાં એક આરોપીએ આપઘાત કરતા ચકચાર
જીવન નગર વુડા વિસ્તારમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પોલીસ લોકઅપની અંદર સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં કસ્ટડીમાં રહેલા એક આરોપીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. જીવન નગર વુડા વિસ્તારમાં આવેલા મકાનમાં રહેતા રમેશ છગનભાઈ વસાવા નામના શખ્સે પોલીસ લોકઅપની અંદર સ્વેટરના દોરા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રમેશ વસાવાની પત્ની સાથે બોલાચાલી થયા બાદ માર મારવાના આક્ષેપ હેઠળ પાણીગેટ પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આરોપીની અટકાયત બાદ તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. આજે 21 જાન્યુઆરીના રોજ વહેલી સવારે લોકઅપમાં ચાર આરોપીઓ સૂતા હતા, તે દરમિયાન રમેશ છગનભાઈ વસાવા ઊઠી ગયા હતા.
સવારે 6.43 વાગ્યે તેઓ ટોઇલેટમાં ગયા હતા અને બારી સાથે પોતે પહેરેલા સ્વેટર (હૂડી)ની દોરી બાંધી ફાંસો ખાવાની તૈયારી કરી હતી. ત્યારબાદ 6.48 વાગ્યે તેઓ બહાર આવ્યા અને ફરી 6.49 વાગ્યે ટોઇલેટમાં ગયા, જ્યાં તેમણે આપઘાત કરી લીધો હતો. થોડીવાર બાદ લોકઅપમાં રહેલા બીજા એક આરોપી ઊઠતા ટોઇલેટમાં ગયા હતા, જ્યાં રમેશ વસાવાને લટકતા જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી.
આ અંગે તરત જ PSOને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં PSO લોકઅપમાં દોડી ગયા હતા અને PIને જાણ કરી હતી. ત્યારબાદ ACP અને DCPને પણ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીગેટ પોલીસ દ્વારા આ કેસમાં BNS કલમ 176 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જોકે સમગ્ર મામલે કોઈપણ પ્રકારની બેદરકારી રહી છે કે કેમ તે મુદ્દે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પરિવારનો દાવો છે કે પોલીસ કસ્ટડી દરમિયાન રમેશ વસાવા સાથે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. આ આક્ષેપોને ધ્યાનમાં રાખીને તપાસ વધુ સંવેદનશીલ રીતે કરવામાં આવી રહી છે.
પાણીગેટ પોલીસ સ્ટેશનના PI અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, “આરોપીએ લોકઅપમાં આપઘાત કર્યો છે. ઘટનાસ્થળે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના ફૂટેજની તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનાની FSL દ્વારા પણ તપાસ કરાવવામાં આવશે.” મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, જેના રિપોર્ટ બાદ વધુ સ્પષ્ટતા થઈ શકશે. કાયદેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરી સત્ય બહાર લાવવા માટે દરેક પાસું તપાસવામાં આવશે. હાલ આ બનાવ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ મામલે DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, રમેશભાઈ વસાવાને ગઈકાલે 20 જાન્યુઆરીના રોજ એક અરજીના અનુસંધાને અટકાયતી પગલાંરૂપે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર હતા. આજે વહેલી સવારે લગભગ 6થી 6.15 વાગ્યાની વચ્ચે લોકઅપના વોશરૂમમાં જઈ તેમણે સ્વેટરની હૂડીની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
