<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

નર્મદા ભાજપના બે દિગ્ગજ નેતાઓનું પ્રદેશમાં કદ વધ્યું: પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા અને શબ્દશરણ તડવીની પ્રદેશ ભાજપ કારોબારીમાં વરણી

આદિવાસી બેલ્ટમાં પકડ મજબૂત કરવા ભાજપનો 'માસ્ટર સ્ટ્રોક', જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં જૂના જોગીઓને મળ્યું સ્થાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ગુજરાત વિધાનસભાની આગામી વ્યૂહરચનાઓ અને સંગઠનને મજબૂત કરવાના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના રાજકારણમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવતા બે મોટા ચહેરાઓ, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા અને શબ્દશરણભાઈ તડવીનો ભાજપની પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

   ભાજપ હંમેશાનો રિપીટ થીયરી અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માટે જાણીતું છે, પરંતુ જ્યારે અનુભવ અને જમીની સ્થિતિની વાત આવે છે ત્યારે હાઈકમાન્ડ જૂના જોગીઓ પર જ પસંદગીનો કળશ ઢોળે છે. જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયમાં હર્ષદ વસાવા અને શબ્દશરણ તડવી જેવા કદાવર નેતાઓને સ્થાન મળ્યું છે. આ બંને નેતાઓ નર્મદા અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં પાયાનું કાર્યકર્તા નેટવર્ક ધરાવે છે.
રાજકીય વિશ્લેષકોના મતે, આ નિમણૂક પાછળ માત્ર સન્માન નહીં પણ ચોક્કસ ગણિત અને સંગઠન શક્તિ રહેલી છે. આ બંને નેતાઓ જમીની સ્તર પર અત્યંત પ્રભાવશાળી હોવાથી તેમના લોકસંપર્કનો સીધો લાભ પક્ષને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વિપક્ષના પ્રભાવને ખાળવા માટે આ બંને કદાવર નેતાઓની સક્રિયતા ભાજપ માટે હવે અનિવાર્ય બની છે.
આ નિમણૂકથી પક્ષના પાયાના કાર્યકરોમાં નવું જોમ જોવા મળી રહ્યું છે. લાંબા સમયથી પક્ષ માટે સમર્પિત રહેલા નેતાઓને યોગ્ય માન-સન્માન મળતા કાર્યકરોમાં એક સકારાત્મક સંદેશ ગયો છે. માનવામાં આવે છે કે આ નિર્ણયથી પક્ષના આંતરિક માળખામાં જૂથવાદ પર પૂર્ણવિરામ મૂકાશે અને સંગઠનમાં એક આદર્શ સંતુલન જળવાશે.
કોઈપણ વિવાદ કે આક્ષેપ વગર પક્ષે જે રીતે અનુભવી નેતાઓને જવાબદારી સોંપી છે, તે દર્શાવે છે કે ભાજપ સંગઠનલક્ષી શિસ્તમાં માને છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ કારોબારીમાં આ બંને નેતાઓની એન્ટ્રી આગામી દિવસોમાં નર્મદાના રાજકારણને કઈ નવી દિશા આપે છે. સોશિયલ મીડિયા પર પણ આ નિર્ણયને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને કાર્યકરો તેને 'દિવાળી જેવો માહોલ' ગણાવી રહ્યા છે

(10:01 PM IST)