<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

આંખો આંજી નાખતી અનધિકૃત વ્‍હાઇટ LED હેડલાઇટના વાહનો સામે કાર્યવાહી કરાશે

વાહન વ્‍યવહાર કમિશનર કચેરીનો RTOને રાજ્‍યભરમાં ઝુંબેશ ચલાવવા આદેશ

અમદાવાદ,તા.૨૨: અમદાવાદ, વડોદરા, સુરત સહિતના મહાનગરોથી લઇને ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી વાહનો ઉપર ભારે તીવ્રતાવાળી અને આંખો અંજાઇ જાય તેવી વ્‍હાઇટ એલઇડી લાઇટના કારણે અકસ્‍માતોની સંખ્‍યા વધી રહી છે. કેટલાક કિસ્‍સામાં મૃત્‍યુ પણ થતા હોવા સહિત વ્‍હાઇટ એલઇડી લાઇટના દુરુપયોગની ફરિયાદો મળતા વાહન વ્‍યવહાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્‍યમાં અનઅધિકૃત અતિ તીવ્રતાવાળી વ્‍હાઇટ એલઇડીની હેડલાઇટ ધરાવતા તમામ પ્રકારના વાહનો સામે સઘન ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવા આરટીઓ તંત્રને આદેશ કર્યો છે.

ગાંધીનગર વાહન વ્‍યવહાર કમિશનરની કચેરી દ્વારા તમામ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી અને કચેરીઓને અનિધકૃત વ્‍હાઇટ લાઇટ સામે કાર્યવાહી કરવા તાકીદ કરાઇ છે. વાહનો પર અનધિકૃત વ્‍હાઇટ એલઇડી લાઇટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્‍પના કારણે આંખ અંજાઇ જતા વાહનોના અકસ્‍માત થવાની ભીતિ અંગે સતત રજૂઆતો કરવામાં આવી હતી. આવા વાહનોના કારણે અન્‍ય વાહન ચાલકોને પણ તકલીફ પડતી હોવાથી અકસ્‍માત સર્જાવાનું પ્રમાણ વધ્‍યું છે. આ બાબતને ગંભીરતાથી લઇને તંત્ર દ્વારા આવા પ્રકારના વાહનો સામે નિયમિત કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. તેમાં જે વાહનો ઉપર અનધિકૃત અતિ તીવ્રતા સાથેની હેડલાઇટ લગાવાઇ હોય તેવા વાહનો સામે આરટીઓ સ્‍ટાફ દિવસથી લઈને રાત્રે પણ રોડ ઉપર ઉતરીને સઘન ચેકિગ ઝુંબેશ હાથ ધરશે. તેમાં જે વાહનોની હેડ લાઇટ નિયત કરતા વધુ તીવ્રતા ધરાવતી અને ગેરકાયદે હશે તેમની સામે કાર્યવાહી કરાશે.

વ્‍હાઇટ એલઇડી સામે નિયમિત ઝુંબેશ ચલાવવા માટે નવેમ્‍બર-૨૦૨૩થી અત્‍યાર સુધી સાત વખત વાહન વ્‍યવહાર કમિશનર કચેરી દ્વારા આરટીઓ તંત્રને સૂચના આપવામાં આવી છે, તેમ છતાં તે કાગળ પર જ રહી હોય તેવી સ્‍થિતિ છે. અમદાવાદ જેવા મહાનગરોમાં વાહન ચાલકો નિયત કરતા વધુ તીવ્રતાવાળી વ્‍હાઇટ એલઇડી લાઇટ મોડિફાઇડ કરાવીને લગાવતા હોય છે પરંતુ ગણ્‍યાગાંઠ્‍યા કિસ્‍સામાં જ પગલા લેવાયા છે.

કેટલાક એસયુવીથી લઇને હેવી વેહિકલ્‍સ હાઇવે ઉપર તીવ્રતાવાળી વ્‍હાઇટ એલઇડીની લાઇટથી વારંવાર ડીપર મારીને અન્‍ય વાહન ચાલકોને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સામેથી આવતા નાના વાહનચાલકોની આંખો અંજાઇ જતા અકસ્‍માત થવાના ભયે તેમના જીવ અધ્‍ધર થઇ જાય છે. અમદાવાદ જેવા શહેરી વિસ્‍તારમાં કેટલાક આવા બેજવાબદાર વાહનચાલકો રોંગ સાઇડમાં હેડલાઇટ ચાલુ કરીને ઉભા રહી જાય છે તેના કારણે સામેથી આવતા વાહનચાલકો થોડા સમય માટે આંખોની રોશની ગૂમાવી દેતા હોય તેવી સ્‍થિતિ સર્જાય છે.

(10:06 AM IST)