તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd January 2026
દાવોસમાં ગુજરાતના વિકાસનો ગુંજારવ : ડેપ્યુટી CM હર્ષ સંઘવીના નેતૃત્વમાં વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે ૩૦થી વધુ વ્યૂહાત્મક બેઠકો
સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક રોકાણ આકર્ષવા ગુજરાતની મજબૂત રજૂઆત : માઈક્રોન, ટાટા, NVIDIA અને ઓપન-AI જેવા દિગ્ગજો સાથે ભાવિ ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા

ગાંધીનગર : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે આયોજિત 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' (WEF) ૨૦૨૬માં ગુજરાત રાજ્યનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં સક્રિયપણે સહભાગી થઈ રહ્યું છે. 'વિકસિત ગુજરાત@૨૦૪૭'ના વિઝનને સાકાર કરવા અને રાજ્યને વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બનાવવાના હેતુથી આ મુલાકાત દરમિયાન ૩૦થી વધુ હાઈ-ઇમ્પેક્ટ બેઠકો યોજવામાં આવી હતી.
સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજી પર ભાર:
ગુજરાતના પ્રતિનિધિમંડળે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરી હતી. માઈક્રોન ટેકનોલોજીના ગ્લોબલ CEO સંજય મેહરોત્રા, ટાટા ઇલેક્ટ્રોનિક્સના CEO રણધીર ઠાકુર અને NVIDIA ના અધિકારીઓ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને AI ઇનોવેશન અંગે ગહન ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ઓપન-AI (OpenAI) ના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર ક્રિસ લેહાને સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્ય અંગે સંવાદ સાધવામાં આવ્યો હતો.
ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ:
ઉર્જા પરિવર્તનના ક્ષેત્રમાં ગુજરાતે હિતાચી એનર્જી, ટોપસો અને વેસ્ટાસ જેવી કંપનીઓ સાથે વ્યૂહાત્મક ચર્ચા કરી હતી. આ બેઠકોનો મુખ્ય એજન્ડા ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રિયલ ડીકાર્બોનાઈઝેશન રહ્યો હતો. આ સાથે જ વિશ્વ બેંક (World Bank) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) ના પ્રતિનિધિઓ સાથે ટકાઉ શહેરી વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ ટ્રેડ:
ઉદ્યોગ જગતના માંધાતાઓ જેવા કે આર્સેલર મિત્તલના લક્ષ્મી મિત્તલ, લુલુ ગ્રુપના એમ.એ. યુસુફ અલી અને સુમિતોમો ગ્રુપના ચેરમેન સાથે પણ રોકાણ મુદ્દે બેઠકો યોજાઈ હતી. લોજિસ્ટિક્સ અને પોર્ટ ક્ષેત્રે ગુજરાતની ભૂમિકા મજબૂત કરવા માટે A.P. મોલર-મોર્સ્કના ગ્લોબલ CEO વિન્સેન્ટ ક્લર્ક સાથે પણ મહત્વની ચર્ચા થઈ હતી.
ડેપ્યુટી મુખ્યમંત્રીનું નિવેદન:
આ પ્રસંગે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભવિષ્યના રોકાણો માટે તૈયાર છે. દાવોસમાં અમારી બેઠકો દ્વારા અમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુજરાત એક સ્થિર અને વિશ્વસ્તરીય પોલિસી-ડ્રિવન ઇકોસિસ્ટમ ધરાવે છે. 'ગુજરાત - રેડી ફોર ધ વર્લ્ડ' ના મંત્ર સાથે અમે ગ્લોબલ ગ્રોથ સ્ટોરીમાં નેતૃત્વ કરવા સજ્જ છીએ."
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
