<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

રાજપીપળામાં સરગવાની સીંગો તોડવા ઝાડ પર ચઢેલા યુવાનનું ઝાડની ડાળી તૂટતા નીચે પટકાતા મોત

ખેતીકામ કરતા યુવક પત્નીની નજર સામે જ દમ તોડતા પરિવાર સહિત માછી સમાજમાં શોક ફેલાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપલાના માછીવાડ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારમાં માતમ છવાયું છે,  પોતાના ખેતરના શેઢે સરગવાની સીંગો તોડવા ચઢેલા 43 વર્ષીય જીતેન્દ્રભાઈ માછીનું ઝાડ પરથી નીચે પડતા કરુણ મોત નીપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાના પગલે માછીવાડ વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયું છે.

   મળતી વિગતોનુસાર રાજપીપલાના નવા ફળીયા, માછીવાડ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર રમણભાઈ માછી (ઉ.વ. 43) નાઓ રાજપીપલાની સીમમાં કાળી ભોય વિસ્તારમાં આવેલી ચિત્રાવાડી માઇનોર કેનાલ પાસે પોતાના ખેતરે ગયા હતા. ખેતરના શેઢે ઉગેલા સરગવાના ઝાડ પર સીંગો જોઈને તેઓ તે તોડવા માટે ઝાડ પર ચઢ્યા હતા. જીતેન્દ્ર માછી જ્યારે ઝાડ પર સીંગો તોડી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડની ડાળી તૂટી પડતા તેમનું બેલેન્સ બગડતા તેઓ સીધા જ ઝાડ પરથી જમીન પર પટકાયા હતા. જમીન પર પડવાના કારણે તેમના ચહેરા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેનું સ્થળ પર જ મોત થયું હતું.
  આ બનાવ અંગે મૃતકના પત્ની ભાવના જીતેન્દ્ર માછીએ રાજપીપલા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘરના મોભીના અચાનક નિધનથી પરિવારમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

(10:48 PM IST)