<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

અમદાવાદની ડીપીએસ સહિત સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ખાલિસ્તાની ધમકી: ૨૬મી જાન્યુઆરીએ તિરંગો ન ફરકાવવા ચેતવણી અપાતા તંત્ર દોડતું થયું

અમદાવાદ: પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને હચમચાવી નાખતી એક ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદની નામાંકિત એવી દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) સહિત શહેરની કુલ સાત જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. 

આ ધમકીભર્યા ઈમેલમાં સ્પષ્ટપણે ખાલિસ્તાની તત્વોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને ખાલિસ્તાનના દુશ્મન ગણાવવામાં આવ્યા છે. 

ધમકી આપનારાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ૨૬મી જાન્યુઆરીના રોજ શાળાઓમાં તિરંગો લહેરાવવામાં આવશે તો તે સ્કૂલોને બોમ્બથી ફૂંકી મારવામાં આવશે અને બાળકોના જીવ જોખમમાં મુકાશે. "તમારા બાળકોને બચાવી લો" જેવી ડરામણી ભાષાનો પ્રયોગ કરીને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમોએ તાત્કાલિક ધોરણે જે સ્કૂલોને ધમકી મળી છે ત્યાં પહોંચીને સઘન ચેકિંગ હાથ ધર્યું છે. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આ ઈમેલ ક્યાંથી આવ્યો છે અને તેનું આઈપી એડ્રેસ શું છે તેની તપાસ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કૃત્ય દેશ વિરોધી તત્વો દ્વારા પ્રજાસત્તાક પર્વના માહોલને ડહોળવા માટે કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. 

 

ભૂતકાળમાં પણ આવી ધમકીઓ મળી છે જે પાછળથી અફવા સાબિત થઈ હતી, પરંતુ ૨૬મી જાન્યુઆરી નજીક હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા માંગતી નથી. વાલીઓને શાંતિ જાળવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે, સાથે જ તમામ શાળાઓની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુ દ્વારા અગાઉ પણ આવી ધમકીઓ આપવામાં આવી હતી, તેથી આ વખતે પણ સુરક્ષા એજન્સીઓ આ મામલે ખૂબ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

(10:46 AM IST)