<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

કચ્છનું નાની ખાખર ગામ બનશે સંપૂર્ણ સોલાર વિલેજ ગામ

અદાણી ફાઉન્ડેશનના સહયોગ અને પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કચ્છનું ત્રીજું સોલાર વિલેજ ગામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ :  અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા નાની ખાખર ગામને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાના અભિયાનનું આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશનના ટકાઉ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામીણ સશક્તિકરણના વ્યાપક પ્રયાસોનો ભાગ છે. અદાણી ગ્રુપ દ્વારા અગાઉ કચ્છમાં જ ધ્રબ અને ભોપાવાંઢ (વાંઢ) ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યા છે. આ ગામોમાં ૭૫૦થી વધુ ઘરોને રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સૌર ઊર્જા મેળવી રહ્યા છે અને તે કચ્છના પ્રથમ સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે ચમકી રહ્યા છે. અદાણી ગ્રુપની આ સફળતા બાદ નાની ખાખર આ શ્રેણીમાં ત્રીજું ગામ બની રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગામના તમામ ઘરોને અદ્યતન સોલાર ઊર્જા પ્રણાલીઓથી સજ્જ કરવામાં આવશે. આનાથી ગામને નોંધપાત્ર લાભ મળશે જેવા કે દરેક ઘરમાં માસિક ૨,૦૦૦ થી ૩,૦૦૦ રૂપિયા સુધીની વીજળીની બચત થશે અને ઘણા ઘરોને મફત વીજળી મળશે. કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જેથી હવા સ્વચ્છ રહેશે અને આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ મળશે.

 આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ગામવાસીઓના સહયોગ અને સરકારી સમર્થનથી નાની ખાખરને મોડલ વિલેજ તરીકે વિકસાવવાનું મહત્વપૂર્ણ પગલું છે. કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે (મુન્દ્રા-માંડવી) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ ઊર્જાને મજબૂત બનાવશે અને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપશે. તેમણે ગામવાસીઓને આ યોજનાનો લાભ લેવા અને અદાણી ફાઉન્ડેશન સાથે સહયોગ આપવા આહ્વાન કર્યું. અદાણી પોર્ટસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે અમારી ટીમ સ્થાનિક લોકો સાથે મળીને આ પ્રોજેક્ટને સફળ બનાવશે અને એક પણ ઘર આ લાભથી વંચિત નહીં રહે. ઉપરાંત આવનારા સમયમાં અન્ય ગામોને પણ સોલાર વિલેજ બનવાની યોજના છે. કાર્યક્રમમાં સરપંચશ્રી, પંચાયતના સભ્યો, ગ્રામજનો, PGVCLના અધિકારીઓ, ફાઉન્ડેશનની ટીમ, સતીશભાઈ પટેલ, ભાવિનભાઈ પટેલ (ડેપ્યુટી એન્જિનિયર), શિક્ષકો, ગામના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

(9:36 AM IST)