<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

રાજ્યમાં આગામી ત્રણ ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે :કમોસમી વરસાદની પણ શક્યતા

ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી બરફવર્ષાની અસર ગુજરાતમાં ઠંડીનો ચમકારો : ઠંડી અને માવઠાની મિશ્ર ઋતુનો અનુભવ થશે

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહેશે. આ ઉપરાંત કમોસમી વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી અને માવઠાની મિશ્ર ઋતુનો અનુભવ થશે. બે દિવસ અગાઉ પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી.

મિશ્ર ઋતુની સાથે કેટલાક પડકારો પણ જોડાયેલા છે. સામાન્ય રીતે જ્યારે ઋતુ બદલાય છે અથવા આવી મિશ્ર પરિસ્થિતિ સર્જાય છે ત્યારે રોગચાળાનો ફેલાવો થવાની શક્યતા વધી જાય છે. નાગરિકોને આ વાતાવરણમાં પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી બરફવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે જેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે.

(11:16 AM IST)