News of Saturday, 24th January 2026
ગુજરાતમાં "ઉડિયા" શાળાઓ શરૂ કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અપીલ: સુરતમાં વસતા ઓડિશાવાસીઓ માટે વિશેષ માંગ: સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં ઓડિશાના ગંજામ અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા લાખો કારીગરો કામ કરે છે

ગુજરાત, ખાસ કરીને સુરત શહેર, મીની ભારત તરીકે ઓળખાય છે, જ્યાં દેશના ખૂણેખૂણેથી લોકો રોજગારી માટે આવે છે. 'ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ'ના સમાચાર મુજબ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખીને અને રૂબરૂ મળીને વિનંતી કરી છે કે ગુજરાતમાં, ખાસ કરીને સુરતમાં વધુ ઓડિયા માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવે. આ માંગણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વસતા લાખો ઓડિયા શ્રમિકો અને તેમના બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
સુરતમાં ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગમાં ઓડિશાના ગંજામ અને અન્ય જિલ્લાઓમાંથી આવેલા લાખો કારીગરો કામ કરે છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે આ શ્રમિકો ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે, પરંતુ તેમના બાળકોને માતૃભાષામાં શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નવી શિક્ષણ નીતિમાં પણ માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. તે સંદર્ભે, જો રાજ્ય સરકાર ઓડિયા માધ્યમની શાળાઓની સંખ્યા વધારે અથવા હાલની શાળાઓમાં સુવિધાઓ વધારે તો તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
આ ઉપરાંત, શિક્ષણ મંત્રીએ ઓડિયા સમુદાય માટે અન્ય શૈક્ષણિક સુવિધાઓ વધારવા પણ અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે બાળક પોતાની ભાષામાં શીખે છે ત્યારે તેનો સર્વાંગી વિકાસ ઝડપથી થાય છે. ગુજરાત સરકારે આ પ્રસ્તાવને હકારાત્મક રીતે લીધો છે. સુરતમાં હાલમાં કેટલીક ઓડિયા શાળાઓ કાર્યરત છે, પરંતુ વસ્તીની ગીચતા અને માંગને જોતા તે અપૂરતી છે. આ પહેલથી પરપ્રાંતિય શ્રમિકોમાં સુરક્ષા અને પોતીકાપણાની ભાવના વધુ મજબૂત થશે અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાર્થક કરશે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
