<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

બનાસકાંઠાના અમીરગઢમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 6 લોકોના ઘટનાસ્થળે મોત: અન્ય ત્રણ ગંભીર

રોંગ સાઈડમાંથી આવતી એક બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ ભયાનક અકસ્માત : કારમાં સવાર રાજસ્થાનનો પરિવાર પાલનપુર તરફ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યો હતો

બનાસકાંઠાના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા છે રોંગ સાઈડમાંથી આવતી એક બેફામ ટ્રકે કારને અડફેટે લેતા આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.

   મળતી વિગતો મુજબ અમીરગઢના ઈકબાલગઢ નજીક હાઈવે પર એક આઈસર ટ્રક અને ઈનોવા કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રોંગ સાઈડમાં આવતી ટ્રક સીધી કાર પર ચડી ગઈ હતી, જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા હતા.

   આ અકસ્માતમાં અન્ય 3 લોકોની હાલત ગંભીર છે, જેઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ આજુબાજુના લોકો અને વાહનચાલકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

પોલીસે તાત્કાલિક જેસીબીની મદદથી ગાડીના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે તેમને હોસ્પિટલે મોકલી દીધા હતા. આ અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.

(8:43 PM IST)