<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ભૂકંપના ૨૫ વર્ષ: 'મેહુલ ડૉક્ટર બનશે' એ આશા કાટમાળમાં દબાઈ ગઈ, પણ બહેને રાખ રાખમાંથી બેઠા થઈ પૂરું કર્યું ભાઈનું સપનું

૨૬ જાન્યુઆરી ૨૦૦૧નો એ કાળમુખો દિવસ: અમદાવાદની સ્વામિનારાયણ સ્કૂલ ધરાશાયી થતા ૩૦ માસૂમોનો માળો વિખેરાઈ ગયો, સંતાન ગુમાવનાર માતા-પિતાની વેદના અને આંસુઓ આજે પણ ૨૫ વર્ષે એ જ સ્થિતિમાં તાજા છે, કાટમાળ નીચે દબાયેલા ભવિષ્યની હૃદયદ્રાવક દાસ્તાન

અમદાવાદ: ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ની એ સવાર અમદાવાદના ઘોડાસર વિસ્તાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવો જખમ બની ગઈ છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ઉત્સાહિત ૩૦ માસૂમ વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં હાજર હતા, પણ રાષ્ટ્રધ્વજ વંદન થાય તે પહેલા જ કુદરતે ધ્રૂજારી લાવી આખી બિલ્ડિંગને જમીનદોસ્ત કરી નાખી. આજે આ દુર્ઘટનાના ૨૫ વર્ષ વીતી ગયા હોવા છતાં, એ કાટમાળ નીચે દબાયેલા બાળપણની ચીસો આજે પણ ત્યાંના વાતાવરણમાં ગુંજતી હોય તેવો અનુભવ થાય છે. અનેક પરિવારોના દીવા બુઝાઈ ગયા અને હસતા-રમતા ઘરોમાં કાયમી માતમ છવાઈ ગયો.

ઈસનપુરમાં રહેતા લીલાબહેન પરમાર માટે આ ૨૫ વર્ષ વનવાસ જેવા રહ્યા છે. તેમનો દીકરો મેહુલ, જે ડૉક્ટર બની ગરીબી દૂર કરવા માંગતો હતો, તે આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બની ગયો. આઘાત એટલો મોટો હતો કે મેહુલના મૃત્યુના માત્ર પાંચ મહિનામાં જ તેના પિતાનું પણ અવસાન થયું. આખું ઘર વેરવિખેર થઈ ગયું, પણ મેહુલની નાની બહેન ઈશિતાએ હાર ન માની. તેણે પોતાના ભાઈનું અધૂરું સપનું પૂરું કરવાનું બીડું ઝડપ્યું અને આજે તે એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. એક બહેને ભાઈની સ્મૃતિમાં રાખમાંથી બેઠા થઈને સફળતા મેળવી તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય છે.

આવી જ બીજી કરુણ ગાથા જશોદાનગરના પ્રવીણભાઈ બાલાસની દીકરી પ્રિયંકાની છે. ધોરણ ૧૦માં ૮૦ ટકા લાવનારી તેજસ્વી પ્રિયંકા માટે પિતાએ તેના વાંચન માટે ખાસ એક નવો રૂમ બનાવ્યો હતો, જેનું ઉદ્ઘાટન પણ એ જ કાળમુખા દિવસે થવાનું હતું. પરંતુ ભૂકંપે પ્રિયંકાને છીનવી લીધી. આજે પિતાએ એ રૂમને 'સ્મૃતિ ખંડ' બનાવી દીધો છે. આ રૂમનું જે ભાડું આવે છે, તેમાંથી આજે ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવામાં આવે છે. પોતાની દીકરી ભણી ન શકી, પણ તેની યાદમાં અન્ય બાળકો ભણે તેવો ઉમદા અભિગમ આ પરિવારે રાખ્યો છે.

આજે ૨૫ વર્ષ પછી પણ જ્યારે ૨૬મી જાન્યુઆરી આવે છે, ત્યારે આ પરિવારોની આંખો ભીની થઈ જાય છે. સ્વામિનારાયણ સ્કૂલના પરિસરમાં લાગેલી એ તક્તી આજે પણ એ ૩૦ માસૂમોના નામ સાથે ઉભી છે, જેમણે તિરંગાને સલામી આપવાની ક્ષણો પહેલા જ દુનિયા છોડી દીધી હતી. ગુજરાતના આ મહાવિનાશક ભૂકંપની યાદો ભલે સમય સાથે ધૂંધળી થઈ હોય, પણ આ શાળાઓના કાટમાળમાં જે સપનાઓ દબાયા હતા, તે આજે પણ તેમના માતા-પિતાની યાદોમાં જીવંત છે. આ વાર્તા માત્ર કરુણતાની નથી, પણ સંઘર્ષ અને સ્મૃતિઓને જીવંત રાખવાની શક્તિની છે.

(11:13 AM IST)