<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ગુજરાત- સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ: નલિયા 5 ડિગ્રી સાથે ઠંડુ ગાર : આગામી દિવસોમા વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં અત્યારે શિયાળો તેના અસલી મિજાજમાં : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો

અમદાવાદ તા.૨૫ : ગુજરાતમાં અત્યારે શિયાળો તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ત્યાંથી ફૂંકાતા બરફીલા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી જનજીવન ઠંડીમાં થીજી ગયું છે.

નલિયા બન્યું રાજ્યનું 'કોલ્ડ સ્ટોરેજ'

હવામાન વિભાગના આંકડા મુજબ, કચ્છનું નલિયા 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. નલિયામાં હાડ થીજવતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. લોકો ઠંડીથી બચવાના ઉપાયો અજમાવવા મજબુર બન્યા છે. માત્ર કચ્છ જ નહીં, પરંતુ બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં પણ તાપમાન 8 થી 9 ડિગ્રીની આસપાસ રહેતા ઉત્તર ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

મુખ્ય શહેરોમાં ઠંડીની સ્થિતિ

અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો પ્રકોપ વધ્યો છે. તેની સાથે સાથે આજે વહેલી સવારથી જ તેજ ગતિએ પવન ઠંડા સૂકા ફૂંકાઈ રહ્યા છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધુ અનુભવાય છે. જેનું મુખ્ય કારણ છે કે હાલમાં જમ્મુ અને પાકિસ્તાનના ભાગો પર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી ઉત્તર ભારતમાં હિમવર્ષા થાય છે અને સૂકા બર્ફીલા પવનો ગુજરાત સુધી આવી રહ્યા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 11-12 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર શહેરોમાં પણ ઠંડા પવનોને કારણે ધ્રુજારી અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગની શું છે આગાહી?

હવામાન નિષ્ણાતોના મતે, આગામી 48 થી 72 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે. ઉત્તર-પૂર્વીય પવનો સીધા ગુજરાત તરફ આવતા હોવાથી લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં 'કોલ્ડ વેવ' જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર* તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે.લઘુત્તમ તાપમાન    - 13.°c,

મહત્તમ તાપમાન    - 23.°c

ભેજનું પ્રમાણ       - 46%

પવનની ગતિ         - 10.1 kmph.

(11:31 AM IST)