<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી

બેંગકોકથી લાવવામાં આવેલો ૧૨.૫૦ કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, પંજાબ અને વડોદરાના કનેક્શનનો પર્દાફાશ

અમદાવાદ: ગુજરાતમાં નશાના કારોબારને ડામી દેવા માટે તંત્ર દ્વારા સતત સઘન ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે એક મોટી સફળતા હાંસલ કરી છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ બાતમી અને શંકાના આધારે તપાસ કરતાં વિદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહેલો અધધ ૧૨.૫૦ કરોડ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ હવે ગુજરાતને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું આ ઘટના પરથી પ્રતિત થઈ રહ્યું છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, આ નશીલો પદાર્થ બેંગકોકથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગની ટીમે જ્યારે શંકાસ્પદ બેગોની તલાશી લીધી ત્યારે તેમાંથી પ્લાસ્ટિકના વેક્યુમ પેકમાં સીલ કરેલો ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. સામાન્ય ગાંજા કરતા આ હાઈબ્રિડ ગાંજાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી ઊંચી હોય છે અને તેની અસર પણ વધુ ઘાતક માનવામાં આવે છે. પ્રસિદ્ધ થયેલી તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડ્રગ્સ માફિયાઓએ કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવવા માટે આ જથ્થાને કેવી રીતે ખાસ પ્રકારના પેકિંગમાં છુપાવ્યો હતો, જેથી તેની ગંધ બહાર ન આવે અને સ્કેનરમાં પણ શંકા ન જાય.

 

આ પ્રકરણમાં કસ્ટમ વિભાગે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ જે વિગતો સામે આવી છે તેણે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દીધી છે. પકડાયેલા ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ પંજાબના રહેવાસી છે, જ્યારે એક આરોપી વડોદરાનો વતની હોવાનું સામે આવ્યું છે. આના પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સનું નેટવર્ક પંજાબ સુધી ફેલાયેલું છે અને ગુજરાતનો ઉપયોગ માત્ર લેન્ડિંગ પોઈન્ટ તરીકે કરવામાં આવ્યો હતો. 

 

વડોદરાના સ્થાનિક શખ્સની સંડોવણી દર્શાવે છે કે લોકલ લોજિસ્ટિક્સ પૂરા પાડવા માટે સ્થાનિક હેન્ડલરોનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં કસ્ટમ વિભાગ અને અન્ય એજન્સીઓ દ્વારા આ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે આ જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે.

(1:45 PM IST)