<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

કપિલ શર્માના શોમાં સુરતની સિંહણોનો દબદબો: ACP મિની જોસેફના તેવર જોઈ રાની મુખર્જી પણ આફરીન

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'માં સુરત પોલીસની ૩૦ મહિલા અધિકારીઓએ જમાવી રજત; હેલ્મેટ વિનાના પતિના ચલણ મુદ્દે મહિલા ACPએ આપેલા ધારદાર જવાબે બોલિવૂડની 'મર્દાની'ના દિલ જીતી લીધા

સુરત: નેટફ્લિક્સ પર પ્રસારિત થતા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના લેટેસ્ટ એપિસોડમાં હાસ્યના ફુવારાઓ વચ્ચે ખાખીનો અદભૂત રૂઆબ જોવા મળ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જી પોતાની આગામી ફિલ્મ 'મર્દાની-૩' ના પ્રમોશન માટે પહોંચી હતી ત્યારે શોમાં ખાસ અતિથિ તરીકે સુરતની ૩૦ બાહોશ મહિલા પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. જ્યારે કપિલ શર્માએ હળવી શૈલીમાં સુરતના મહિલા એસીપી મિની જોસેફને ઘેરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે આપેલા જવાબે આખા સ્ટુડિયોને તાળીઓના ગડગડાટથી ગુંજવી દીધો હતો.

શો દરમિયાન કપિલે મજાકમાં પૂછ્યું હતું કે, "જો તમે રસ્તા પર ઉભા હોવ અને સામેથી તમારા પતિ હેલ્મેટ વગર બાઈક પર આવે, તો શું તમે તેમનું ચલણ કાપશો?" આ સવાલના જવાબમાં એસીપી મિની જોસેફે જરાય ખચકાયા વિના અને પૂરા આત્મવિશ્વાસ સાથે હસતા-હસતા કહ્યું કે, "અત્યાર સુધી એવો કોઈ બંદો (પુરુષ) જન્મ્યો નથી, જે મારી સામે આ રીતે (નિયમ તોડીને) આવી શકે!" આ સાંભળીને રાની મુખર્જી સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેણે ઉત્સાહિત થઈને કહ્યું હતું કે, "વાહ! આને કહેવાય અસલી મર્દાની અંદાજ!"

માત્ર હાસ્ય જ નહીં, પરંતુ સુરત પોલીસની સામાજિક જવાબદારીઓનો પાસું પણ આ શોમાં ઉજાગર થયું હતું. સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતે પોલીસ પરિવારોના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું હતું કે સુરત પોલીસ માત્ર ગુનેગારોને પકડવાનું જ નહીં, પણ વર્ષે ૧૦૦૦ યુનિટ રક્તદાન કરી થેલેસેમિયા પીડિત બાળકોની મદદ કરવાનું અને ગરીબ બાળકો માટે ડે-કેર સેન્ટર ચલાવવાનું ઉમદા કાર્ય પણ કરે છે. તેમણે જાહેર જનતાને અપીલ કરી હતી કે પોલીસની કામગીરીને માત્ર નકારાત્મક ચશ્માથી ન જુઓ, કારણ કે તેઓ સમાજ માટે ખૂબ જ સકારાત્મક યોગદાન આપી રહ્યા છે.

આ એપિસોડમાં મહિલા અધિકારીઓએ ઘર અને ફરજ વચ્ચેના સંતુલનની વાત કરીને સૌને પ્રેરણા આપી હતી. રાની મુખર્જીએ પણ સ્વીકાર્યું હતું કે રીલ લાઈફમાં પોલીસનું પાત્ર ભજવવું સહેલું છે, પરંતુ રિયલ લાઈફમાં આટલા પડકારો વચ્ચે શહેરની સુરક્ષા કરવી તે ખરેખર ગૌરવની વાત છે. સુરતની આ મહિલા સિંહણોના અંદાજ અને તેમની સેવાભાવનાએ આખા દેશમાં સુરત પોલીસનું માન વધાર્યું છે. કપિલના મંચ પરથી મળેલી આ સન્માનજનક ક્ષણો સોશિયલ મીડિયા પર અત્યારે જોરદાર વાયરલ થઈ રહી છે.

(3:07 PM IST)