<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

સુરત ક્રાઈમ બ્રાંચનો માસ્ટરસ્ટ્રોક: દેશભરમાં ૧૦૦ ઘરફોડ ચોરી કરનાર ‘ફૌજી ગેંગ’નો ખતરનાક સાગરિત દબોચાયો

આર્મીમાંથી કોર્ટ માર્શલ થયેલા સતપાલ ફૌજીની ગેંગે ૧૧ રાજ્યોમાં મચાવ્યો હતો હાહાકાર, દિનેશ ઉર્ફે લાલાજીની ધરપકડ સાથે ૨૯ ગુનાના ભેદ ઉકેલાયા

સુરત: ડાયમંડ સિટીની સુરક્ષામાં ગાબડું પાડવા મથતા રીઢા ગુનેગારો સામે સુરત ક્રાઈમ બ્રાંચે લાલ આંખ કરી છે. ભારતભરના ૧૧ જેટલા રાજ્યોમાં ૧૦૦થી વધુ ઘરફોડ ચોરીઓને અંજામ આપીને પોલીસની ઊંઘ હરામ કરનાર કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ'ના મહત્વના સાગરીત દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આ ધરપકડની સાથે જ સુરત સહિત દેશના વિવિધ શહેરોમાં થયેલી ૨૯ જેટલી મોટી ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાઈ ગયા છે, જે પોલીસ માટે એક મોટી કાયદાકીય સફળતા માનવામાં આવે છે.

આ ગેંગનો મોડસ ઓપરેન્ડી કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મ જેવો છે. ગેંગનો લીડર સતપાલ સિંહ ઉર્ફે 'ફૌજી' વર્ષ ૧૯૯૭માં આર્મીમાં ભરતી થયો હતો, પરંતુ આઠ વર્ષની સેવા બાદ કોર્ટ માર્શલ થતા તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુનાખોરીના રસ્તે ચઢેલા સતપાલે જેલમાં ફૂલસિંગ જાટ નામના રીઢા ગુનેગાર સાથે મળીને એક હાઈટેક ગેંગ બનાવી હતી. આરોપી દિનેશ વર્ષ ૨૦૧૦માં અમદાવાદ જેલમાં હતો ત્યારે આ ગેંગના સંપર્કમાં આવ્યો હતો અને જોતજોતામાં તે આંતરરાજ્ય નેટવર્કનો મજબૂત હિસ્સો બની ગયો હતો.

સતપાલ ફૌજી ગેંગનું સામ્રાજ્ય માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું. આ ટોળકીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તરખાટ મચાવ્યો હતો. આરોપી દિનેશ ઉર્ફે લાલાજીએ કબૂલાત કરી છે કે તેણે ગેંગ સાથે મળીને ગુજરાતના સુરત, અમદાવાદ, જામનગર તેમજ સેલવાસ અને દમણ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ અનેક મકાનોના તાળા તોડ્યા હતા. ધરપકડ બાદ તેની પાસેથી ચોરીના મુદ્દામાલ અંગે પણ ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સુરત ક્રાઈમ બ્રાંચની આ સફળતાથી આંતરરાજ્ય ગુનાખોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અત્યંત સાવચેતીથી રેકી કરીને માત્ર હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓને જ નિશાન બનાવતી હતી. હાલમાં આરોપી દિનેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે, અને આશા છે કે તેની પૂછપરછમાં ગેંગના અન્ય ફરાર સભ્યો અને ચોરીના સોના-ચાંદીના દાગીના ક્યાં સગેવગે કરવામાં આવ્યા છે તેના પરથી પણ પડદો ઊંચકાશે.

(4:14 PM IST)