<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

યુ.કે. વર્ક પરમીટ લંબાવવાના બહાને છેતરપિંડી, ગાંધીનગર સીઆઇડી ક્રાઈમે વડોદરામાંથી આરોપીને ઝડપ્યો

યુ.કે. વર્ક પરમીટ વિઝા લંબાવી આપવાની લાલચ આપી ફરિયાદી તથા ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂ. 6.50 લાખ પડાવી લીધા હતા. જોકે, આરોપીઓએ વિઝાનું કામ કરી આપ્યું નહોતું કે પૈસા પરત કર્યા નહોતા.

યુકે વર્ક પરમીટ વિઝા લંબાવી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ હાથ ધરતા સીઆઇડીની ટીમે વડોદરામાંથી એક આરોપીની ધરપડ કરી છે. આ બનાવ 2023ના ફેબ્રુઆરી મહિનામાં બન્યો હતો. આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી સુનિલકુમાર વિષ્ણુભાઇ પ્રજાપતિ અને અન્ય ભોગ બનનારાઓ સાથે વિદેશમાં ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હતું. ભોગ બનનારાઓના યુ.કે. વિઝા પૂર્ણ થતાં તેઓ ભારત પરત ફર્યા બાદ તેમણે સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, વડોદરાના કૃતિકાબેન શાહ અને મિતુલભાઇ રતિલાલ ચાવડાએ આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાતના નામે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ (GNM) ની પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષની ખોટી માર્કશીટો, તેમજ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, ડિગ્રી સર્ટિફિકેટ, માઇગ્રેશન સર્ટી, L.O.R તથા ટ્રાન્સક્રિપ્ટ બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે યુ.કે. વર્ક પરમીટ વિઝા લંબાવી આપવાની લાલચ આપી ફરિયાદી તથા ભોગ બનનારાઓ પાસેથી કુલ રૂ. 6.50 લાખ પડાવી લીધા હતા. જોકે, આરોપીઓએ વિઝાનું કામ કરી આપ્યું નહોતું કે પૈસા પરત કર્યા નહોતા.
આ મામલે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે વડોદરા શહેરમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી મિતુલભાઇ રતિલાલ ચાવડા ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(4:14 PM IST)