હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
CM ભૂપેન્દ્ર પટેલનો માસ્ટરસ્ટ્રોક: હવે પાલિકાઓને 11 સેવાઓ માટે મળશે મફત જમીન!
નગરોના વિકાસને લાગશે પાંખો: જંત્રીના દરોમાંથી મુક્તિ આપી મુખ્યમંત્રીએ રાજ્યની 152 નગરપાલિકાઓની આર્થિક ચિંતા દૂર કરી, પાણી-ગટર અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ હવે ઝડપથી થશે સાકાર

ગાંધીનગર: ગુજરાતના શહેરી વિકાસના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લઈને નગરપાલિકાઓ માટે સરકારી જમીનની ફાળવણીના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે. હવેથી રાજ્યની નગરપાલિકાઓને 11 પ્રકારની આવશ્યક જાહેર સેવાઓ વિકસાવવા માટે કોઈપણ ખર્ચ વગર વિનામૂલ્યે જમીન ફાળવવામાં આવશે. સરકારના આ ક્રાંતિકારી પગલાથી વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે અને જમીન મેળવવા માટે થતા લાંબા વિલંબનો અંત આવશે, જેનાથી સીધો ફાયદો સામાન્ય નાગરિકોને પાયાની સુવિધાઓના રૂપમાં મળશે.
અત્યાર સુધીના નિયમ મુજબ, કોઈપણ નગરપાલિકાએ વિકાસકામો માટે સરકારી જમીન જોઈતી હોય તો તેણે બજાર કિંમત અથવા જંત્રીના દરના 25 થી 50 ટકા જેટલી માતબર રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. આ આર્થિક બોજને કારણે ઘણી નગરપાલિકાઓ નાણાંના અભાવે જમીન મેળવી શકતી નહોતી અને પ્રોજેક્ટ્સ અટકી પડતા હતા. મુખ્યમંત્રીના આ નિર્ણયથી રાજ્યની 152 નગરપાલિકાઓને કરોડો રૂપિયાની આર્થિક રાહત મળશે, જે બચેલા નાણાં હવે શહેરના અન્ય વિકાસલક્ષી કાર્યોમાં વાપરી શકાશે.
આ નવી નીતિ હેઠળ ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ભૂગર્ભ ગટર, વોટર સપ્લાય પ્રોજેક્ટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્વના કામો માટે મફત જમીન મળશે. આ ઉપરાંત સામાજિક સુવિધાઓ જેવી કે આંગણવાડી, ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ અને કન્વેન્શન સેન્ટર બનાવવા માટે પણ જમીન ફાળવણી હવે વિનામૂલ્યે થશે. આ યાદીમાં સમાવિષ્ટ 11 સેવાઓ સીધી રીતે નાગરિકોના રોજિંદા જીવન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, જેનો હવે ઝડપી વિસ્તાર થઈ શકશે.
મુખ્યમંત્રીના આ જનહિતલક્ષી નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં 'ઈઝ ઓફ લિવિંગ' વધારવાનો છે. જમીન મેળવવાની કડાકૂટ અને આર્થિક ભારણ ઘટતા હવે નગર સેવા સદનો વધુ પારદર્શક અને ઝડપી કાર્યશૈલી અપનાવી શકશે. જે શહેરોમાં વસ્તી વધી રહી છે ત્યાં આરોગ્ય, શિક્ષણ અને પાણીની સુવિધાઓ સમયસર પહોંચાડવા માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે. ગુજરાતના શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવાના રાજ્ય સરકારના સંકલ્પમાં આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
