હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કવાંટમાં ‘તાલિબાની’ ન્યાય: બાઈક ચોરને અર્ધનગ્ન કરી, અડધા વાળ-મૂંછ મૂંડ્યા અને આખા ગામમાં ફેરવ્યો
કાયદો હાથમાં લેતા ગ્રામજનો: ચોરીની બાઈક પાછી મળી જતાં માલિકે ફરિયાદ ન કરી અને લોકોની સજા સામે ચોરે પણ મૌન સેવ્યું

છોટાઉદેપુર:છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આજે વહેલી સવારે જાહેરમાં કાયદાના લીરેલીરા ઉડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ફિલ્મી ઢબે બાઈક ચોરનો પીછો કરીને તેને પકડ્યા બાદ, ઉશ્કેરાયેલા ટોળાએ માનવતા નેવે મૂકીને ચોરને એવી 'તાલિબાની' સજા આપી કે જોનારાના કલેજા કંપી ગયા હતા. પકડાયેલા શખ્સને જાહેરમાં અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના માથાના વાળ તથા મૂંછના અડધા ભાગને મૂંડી નાખી, ગળામાં હાર પહેરાવી આખા ગામના રસ્તાઓ પર તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ભયાનક સજાના વીડિયો વાયુવેગે વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત મુજબ, ડુંગરગામના જીતેશ રાઠવા વહેલી સવારે ૫:૩૦ કલાકે કવાંટ શાક માર્કેટમાં પોતાની બાઈક લઈને આવ્યા હતા. તે સમયે એક અજાણ્યો શખ્સ તેમની નજર સામે જ બાઈક હંકારી ગયો હતો. જીતેશે હિંમત હાર્યા વગર મિત્રની મદદથી બીજી બાઈક પર ચોરનો પીછો શરૂ કર્યો અને છેક બૈડીયા ગામ પાસે તેને આંતરીને ઝડપી લીધો હતો. જોકે, ચોરને પોલીસને હવાલે કરવાને બદલે કવાંટ પરત લાવીને સ્થાનિક લોકોએ પોતે જ ન્યાયાધીશ બની જવાનું નક્કી કર્યું હોય તેમ વર્તન કર્યું હતું. ભીડની આક્રમકતા સામે કાયદો લાચાર દેખાતો હતો.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આટલી મોટી ઘટના છતાં કાયદાકીય દફતરે કોઈ ગુનો નોંધાયો નથી. બાઈક માલિક જીતેશ રાઠવાનું કહેવું છે કે તેની બાઈક સહીસલામત પરત મળી ગઈ હોવાથી તે પોલીસ માથાકૂટમાં પડવા માંગતો નથી. બીજી તરફ, જે ચોરને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને જેના માનવ અધિકારોનું હનન થયું, તેણે પણ લોકોના ડર કે પોતાની ભૂલને કારણે પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળ્યું છે. આ અજીબોગરીબ પરિસ્થિતિમાં પોલીસ પણ મજબૂર બનીને તમાશો જોતી રહી ગઈ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
કવાંટ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.આર. પટેલે સ્પષ્ટતા કરી છે કે, જ્યારે બંને પક્ષોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા ત્યારે બાઈક માલિક કે ચોર પૈકી કોઈ પણ ફરિયાદ નોંધાવવા તૈયાર નહોતું. કાયદાકીય રીતે જ્યારે ભોગ બનનાર પક્ષ ફરિયાદ ન નોંધાવે ત્યારે પોલીસ માટે કાર્યવાહી કરવી મુશ્કેલ બને છે, પરિણામે બંનેને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે, સભ્ય સમાજમાં કાયદો હાથમાં લેવાની આ પ્રથા અને હિંસક ટોળાશાહી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
