<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th January 2026

ગુજરાતમાં આકાર લેશે મિની ‘દુબઈ’: ગાંધીનગર પાસે રૂ.13,000 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક ઈન્ટરનેશનલ મેડિસિટી

કલોલ બનશે વૈશ્વિક હેલ્થકેર હબ: હાઈટેક હોસ્પિટલો, રિસર્ચ સેન્ટરો અને મેડિકલ કોલેજોના સમન્વય સાથે વર્ષ 2028 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય

ગાંધીનગર:ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે હવે વિશ્વકક્ષાની તબીબી સુવિધાઓનું એક નવું સરનામું બનવા જઈ રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ એક ઐતિહાસિક જાહેરાત કરતા જણાવ્યું કે, કલોલ પાસે 'દુબઈ હેલ્થકેર સિટી'ની તર્જ પર એક વિશાળ આંતરરાષ્ટ્રીય મેડિસિટીનું નિર્માણ કરવામાં આવશે. અંદાજે રૂ.13,000 કરોડના તોતિંગ રોકાણ સાથે તૈયાર થનારો આ પ્રોજેક્ટ ગુજરાતને મેડિકલ ટુરિઝમમાં વૈશ્વિક નકશા પર મૂકી દેશે. આ જાહેરાત બાદ રાજ્યના આરોગ્ય ક્ષેત્રમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને પ્રોજેક્ટને લઈને અત્યારથી જ ઉત્તેજના જોવા મળી રહી છે.

આ મેડિસિટી માત્ર હોસ્પિટલો પૂરતી સીમિત નહીં રહે, પરંતુ તે એક સંપૂર્ણ મેડિકલ ઈકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં હાઇ-ટેક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો, અત્યાધુનિક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો, મેડિકલ અને નર્સિંગ કોલેજો તેમજ વેલનેસ સેન્ટરોનો સમાવેશ થશે. ખાસ કરીને 'જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ' (JCI) દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો અહીં કાર્યરત થશે, જેનો અર્થ એ છે કે વિદેશી દર્દીઓ પણ શ્રેષ્ઠ સારવાર માટે ગુજરાત તરફ આકર્ષાશે. આ ઉપરાંત, મેડિકલ ડિવાઈસ પાર્ક જેવી સહાયક સુવિધાઓ પણ આ કેમ્પસમાં ઉપલબ્ધ હશે.

સરકારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે અને હાલમાં કલોલ આસપાસ યોગ્ય જમીનની શોધ પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી સારવારની સાથે સાથે રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક ક્ષેત્ર માટે એક કેન્દ્રીય હબ બનાવવાનો છે. રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને વર્ષ 2028 સુધીમાં પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાની નેમ ધરાવે છે. આ પ્રોજેક્ટ સાકાર થવાથી હજારોની સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઊભી થશે.

દુબઈ હેલ્થકેર સિટી જે રીતે વિશ્વભરમાં પ્રીમિયમ હેલ્થકેર પ્રોવાઈડર્સ માટે જાણીતું છે, તેવી જ વ્યવસ્થા હવે ગુજરાતમાં જોવા મળશે. અહીં રહેણાંક અને વ્યાપારી ઝોન માટે પણ અલગ વ્યવસ્થાઓ હશે, જેથી ડોક્ટરો, સંશોધકો અને દર્દીઓના સગાઓને તમામ સુવિધાઓ એક જ પરિસરમાં મળી રહે. ગુજરાતની હેલ્થકેર સિસ્ટમમાં આ એક ગેમ-ચેન્જર પગલું સાબિત થશે, જે રાજ્યની જનતાને તો ફાયદો કરાવશે જ, પરંતુ ભારતને વૈશ્વિક હેલ્થ હબ બનાવવામાં પણ મહત્વનું પ્રદાન આપશે.

(11:06 PM IST)