<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

અમદાવાદના યુવા ઇજનેરે બનાવ્‍યું ઘાતક ‘ગતિ' ડ્રોન

ભારતીય સેનાના ભાથામાં સામેલ થશે ઓટોમેટિક ગ્રેનેડ હુમલો કરનારૂ ‘મેડ ઇન ગુજરાત' હથિયાર

રાજકોટઃ ઇન્‍ડિયન આર્મીએ ૨૦ યુનિટનો ઓર્ડર આપ્‍યો. ૫ કિલોમીટર દૂર જઈને દુશ્‍મનોનો સફાયો કરવા સક્ષમ આ ડ્રોન હવામાં જ ગ્રેનેડની પીન કાઢી બ્‍લાસ્‍ટ કરવાની અનોખી ક્ષમતા ધરાવે છે

સંરક્ષણ ક્ષેત્રે ભારત હવે આત્‍મનિર્ભરતા તરફ હરણફાળ ભરી રહ્યું છે, ત્‍યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ માટે ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્‍યા છે. અમદાવાદના એક યુવા ઇજનેરે તૈયાર કરેલું અત્‍યાધુનિક ડ્રોન હવે ભારતીય સેનાની તાકાતમાં અનેરો વધારો કરશે. આ ડ્રોનનું નામ ‘ગતિ' રાખવામાં આવ્‍યું છે, જે દુશ્‍મનોના વિસ્‍તારમાં ઘૂસીને ચોકસાઈપૂર્વક ગ્રેનેડ હુમલો કરવામાં સક્ષમ છે.

આ ડ્રોનની વિશેષતા અને તેની મારક ક્ષમતા જોઈને ભારતીય સેના પણ પ્રભાવિત થઈ છે અને પ્રાથમિક તબક્કે આવા ૨૦ ડ્રોન ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

આ સિદ્ધિ અમદાવાદ સ્‍થિત ‘પ્રોત્‍થાપન ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ'ના સ્‍થાપક અને યુવા ઇજનેર કેશવકાન્‍ત શર્માએ મેળવી છે. હાલમાં સોશિયલ મીડિયા અને સંરક્ષણ વર્તુળોમાં આ ‘ગતિ' ડ્રોનની ભારે ચર્ચા જાગી છે.

આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે સ્‍વદેશી બનાવટનું છે અને તેમાં વપરાયેલી ટેક્રોલોજી વિશ્વના ગણ્‍યાગાંઠ્‍યા દેશો પાસે જ ઉપલબ્‍ધ છે.

‘ગતિ' ડ્રોનની વિશેષતાઓ અને કાર્યક્ષમતાઃ સામાન્‍ય રીતે ડ્રોન દ્વારા ગ્રેનેડ ફેંકવામાં આવે ત્‍યારે તેમાં અનેક જોખમો રહેલા હોય છે, પરંતુ કેશવકાન્‍ત શર્મા દ્વારા વિકસિત આ ડ્રોન અત્‍યંત સુરક્ષિત અને ઘાતક છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ડ્રોન ૫ કિલોમીટર સુધીની રેન્‍જમાં જઈને દુશ્‍મનોના અડ્ડા પર હુમલો કરી શકે છે.

તેની સૌથી મોટી વિશેષતા તેની ‘ઓટોમેટિક મિકેનિઝમ' છે. યુદ્ધના મેદાનમાં સૈનિકોએ ગ્રેનેડ ફેંકવા માટે મેન્‍યુઅલી પીન કાઢવી પડતી હોય છે, પરંતુ ‘ગતિ' ડ્રોન હવામાં ઉડાન ભર્યા બાદ ટાર્ગેટ પર પહોંચીને જાતે જ ગ્રેનેડની પીન અને લીવર હટાવી દે છે અને ત્‍યારબાદ બ્‍લાસ્‍ટ કરે છે. હુમલો કર્યા બાદ આ ડ્રોન સુરક્ષિત રીતે પરત પણ આવી શકે છે.

ઇઝરાયલ પાસે પણ આવી સિસ્‍ટમ નથીઃ ડેવલપરનો દાવો

આ ડ્રોન વિકસાવનાર ઈજનેર કેશવકાન્‍ત શર્માના જણાવ્‍યા અનુસાર, ગ્રેનેડને ડ્રોન સાથે જોડીને તેને હવામાં જ સક્રિય કરવાની જે મિકેનિઝમ તેમણે વિકસાવી છે, તેવી ટેક્રોલોજી હાલમાં સંરક્ષણ સાધનોમાં અગ્રેસર ગણાતા ઇઝરાયલ પાસે પણ ઉપલબ્‍ધ નથી.

તેમણે દાવો કર્યો છે કે તેમનું ડ્રોન દુશ્‍મન દેશમાં જઈને ૫૦ કિલો સુધીના ગ્રેનેડ બ્‍લાસ્‍ટ કરવાની કે તેવા ભારે વિસ્‍ફોટકો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટેક્રોલોજી ભારતીય સેના માટે ગેમચેન્‍જર સાબિત થઈ શકે છે.

વાઈબ્રન્‍ટ ગુજરાત અને ‘મેડ ઇન ઇન્‍ડિયા'નું ઉત્તમ ઉદાહરણ આ ડ્રોનનું નિર્માણ ગુજરાતમાં થયું હોવાથી તે રાજ્‍ય માટે ગૌરવની બાબત છે. વાઈબ્રન્‍ટ ગુજરાત સમિટ જેવી પહેલો અને સ્‍ટાર્ટઅપ ઇન્‍ડિયા મિશન અંતર્ગત ગુજરાતના યુવાનો હવે સંરક્ષણ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં પણ મહત્‍વનું યોગદાન આપી રહ્યા છે.

આ ડ્રોન માત્ર હુમલો કરવા માટે જ નહીં પરંતુ સૈનિકોનો જીવ બચાવવા માટે પણ મહત્‍વનું છે, કારણ કે આના ઉપયોગથી સૈનિકોએ દુશ્‍મનની નજીક જવું પડતું નથી અને દૂરથી જ ચોક્કસ નિશાન સાધી શકાય છે.

આ સમાચાર સોશિયલ મીડિયાના વિવિધ પ્‍લેટફોર્મ પર વાયરલ થયા છે, જેમાં લોકો આ ગુજરાતી યુવકની પ્રતિભાને બિરદાવી રહ્યા છે.

ભારતીય સેના દ્વારા ૨૦ યુનિટની ખરીદી એ વાતની સાબિતી છે કે સ્‍વદેશી ટેકનોલોજી હવે વિશ્વસ્‍તરીય માપદંડો પર ખરી ઉતરી રહી છે. આગામી સમયમાં આ ડ્રોન સરહદ પર તૈનાત ભારતીય જવાનો માટે એક મજબૂત સાથી બની રહેશે. (તસવીરોઃ સામ પંથકી, અમદાવાદ)

(11:46 AM IST)