તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th January 2026
અમદાવાદના આંગણે યોજાશે ૧૨મો ‘એસ.વી.યુ.એમ. ૨૦૨૬' આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
૩૦ દેશોના ૨૦૦થી વધુ વિદેશી ડેલિગેટ્સ ભાગ લેશેઃ આફ્રિકન દેશો અને સાઉથ ઈસ્ટ એશિયામાં નિકાસ વધારવાની સુવર્ણ તકઃ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સિંધુ ભવન રોડ ખાતે ભવ્ય આયોજન

રાજકોટઃ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા સતત ૧૨મી વખત અમદાવાદ ખાતે ભવ્ય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, સિંધુ ભવન રોડ ખાતે યોજાનારા આ ‘એસ.વી.યુ.એમ. ૨૦૨૬' મેળામાં ૩૦ જેટલા દેશોમાંથી ૨૦૦ કરતા વધુ વિદેશી ખરીદદારો ઉમટી પડશે. આફ્રિકા અને એશિયાના દેશો સાથે વેપાર વધારવા માટે ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.
મેળાનું મુખ્ય આકર્ષણ અને વિદેશી મુલાકાતીઓઃ આ મેળામાં ઘાના, સુદાન, તાન્ઝાનિયા, કેન્યા, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ સહિતના ૨૦થી વધુ દેશોમાંથી ડેલિગેટ્સ આવશે. ખાસ કરીને શ્રીલંકાના બિલ્ડર એસોસિએશનનું ૧૫ સભ્યોનું પ્રતિનિધિમંડળ પણ મુલાકાત લેશે.
આ વિદેશી મહેમાનો તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન મેળાની મુલાકાત લેશે અને ત્યારબાદ ૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ વિવિધ ફેક્ટરીઓની રૂબરૂ મુલાકાત (ફેક્ટરી વિઝિટ) કરશે. ઉદ્યોગકારો માટે નજીવા ખર્ચે સ્ટોલ અને સરકારી સહાય.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ઉદ્યોગોને નિકાસ વેપારમાં પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાત સરકારની એમ.ડી.એ. સ્કીમ અંતર્ગત ઉદ્યોગકારોને સબસિડીનો લાભ મળશે, જેના કારણે તેઓ નજીવી કિંમતે સ્ટોલ રાખી શકશે.
આયોજકોના મતે ટ્રમ્પ ટેરિફ જેવી આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ વચ્ચે ૧૬૦ કરોડની વસ્તી ધરાવતું આફ્રિકાનું માર્કેટ ભારતીય ઉત્પાદકો માટે કુદરતી સંપત્તિ અને વિશાળ તકોથી ભરેલું છે. સ્થાનિક સ્તરે ૧૨૦થી વધુ કંપનીઓ સ્ટોલ રાખશે. સંગઠનોનો સહયોગ અને અગ્રણીઓની જહેમત.
આ મેળાને સફળ બનાવવા માટે સાણંદ, વટવા, નરોડા, ઓઢવ સહિતના જી.આઈ.ડી.સી. એસોસિએશન અને રાજસ્થાનના ઔદ્યોગિક સંગઠનો સહયોગી બન્યા છે.
શોને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પરાગ તેજુરા, ઉપપ્રમુખ મહેશ નગદીયા, પ્રભુદાસભાઈ તન્ના, મંત્રી ભુપતભાઈ છાટબાર, ટ્રસ્ટી પદુભાઈ રાયચુરા, રાજુભાઈ સંઘવી તથા સુરેશ તન્ના જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત એડવાઈઝરી બોર્ડમાં ચેરમેન તરીકે અજીતભાઈ શાહ (સાણંદ), વાઈસ ચેરમેન વશિષ્ઠ પટેલ (વટવા) સહિત અનીશ પટેલ, અશ્વિન પટેલ, સુભાષ ગઢવી, ભરતભાઈ પટેલ, શૈલેષ પટેલ, દિગંત સોમપુરા, જય શાહ, હિતેશ ઠક્કર, શ્રીમતી ઉષા કપૂર અને ડો. શ્રેણિક શાહ જેવા અગ્રણીઓ જોડાયા છે.
વધુ માહિતી માટે ફોન નંબરઃ ૯૪૨૬૭ ૪૩૭૫૨ અથવા વેબસાઈટ www.svumshow.com નો સંપર્ક કરી શકાશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
