<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

ગુજરાતનું હવામાન ફરીથી પલટાશેઃ ઠંડી અને માવઠુ વરસશે

હવામાન નિષ્‍ણાંત આંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ, તા. ર૭: નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડી થોડી ઓછી થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્‍યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર નહીં થાય તેવું જણાવ્‍યું છે. તો બીજી બાજુ હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં થોડા દિવસ બાદ કાતિલ ઠંડી સાથે માવઠું પણ થશે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં અત્‍યારે સાત દિવસ હવામાન શુષ્‍ક રહેશે. આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હાલ સૌરાષ્‍ટ્ર, કચ્‍છ સહિત ગુજરાતભરમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનોની અસર જોવા મળી રહી છે. તે બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો, ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. મળતી માહિતી પ્રમાણે, બુધવારે નલિયામાં ૬.૪ ડિગ્રી, ડીસામાં ૧૨.૧ ડિગ્રી, ભુજમાં ૧૧.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૫ ડિગ્રી અને અમદાવાદ ૧૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં ૭.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમરેલીમાં ૯.૬, મહુવામાં ૧૦.૯ ડિગ્રી, રાજકોટમાં ૧૧ ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં ૧૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૧ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાન વધ્‍યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે.

હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે ઠંડી બાદ માવઠાની આગાહી કરતા જણાવ્‍યું છે કે, ૧૪ જાન્‍યુઆરીથી રાજ્‍યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. પૂર્વ, મધ્‍ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્‍છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શકયતા રહેશે. સૌરાષ્‍ટ્રમાં વરસાદી છાંટા થવાની શકયતા રહેશે. દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જાન્‍યુઆરીની શરૂઆતમાં તાપમાન સામાન્‍ય રહેશે. ત્‍યાર બાદ ચાર જાન્‍યુઆરીથી ફરી ઠંડી વધશે. જાન્‍યુઆરીના મધ્‍યમાં કમોસમી વરસાદની શકયતા રહેશે.

(3:38 PM IST)