<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th January 2026

મહીસાગરના વીરપુર-બારોડ રોડ નજીક કેનાલ પાસે બે બાઇક ધડાકાભેર અથડાયા :બંને બાઇકસવારના ઘટના સ્થળ પર જ મોત

અકસ્માતની જાણ થતાં વીરપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી

મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. વીરપુર-બારોડ રોડ નજીક આવેલ કેનાલ પાસે બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બાઇકસવારના ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં વીરપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકોની ઓળખ હાલ સામે આવી નથી 

  પ્રાથમિક માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલ વીરપુર-બારોડા રોડ નજીક કેનાલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર બંને યુવક હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થતા બંને બાઇકસવારના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે. અકસ્માતમાં બંને બાઇકનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે.

   વીરપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા છે. બંને મૃતક યુવકો કોણ છે ? તે હાલ જાણી શકાયું નથી. આ મામલે વીરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના બનતા સ્થાનિક લોકોનું તોળું પણ ભેગું થઈ ગયું હતું. પોલીસે લોકોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

(11:50 PM IST)