તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th January 2026
વાવ-થરાદ (થરાદ) જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ તથા ચાર તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ
બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ નિરીક્ષક ગૌતમભાઈ શાહ, ભાનુબેન બાબરીયા તથા રાજુભાઈ ધ્રુવની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા:જિલ્લા અને તાલુકા કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા

અમદાવાદ : તાજેતરમાં રચાયેલા વાવ-થરાદ (થરાદ) જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સંગઠનને મજબૂત કરવા માટે જિલ્લા પ્રમુખ તથા ચાર તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે. આ અનુસંધાને બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા અને તાલુકા કાર્યકર્તાઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
સંગઠનાત્મક નિયમો અને સિદ્ધાંતો અનુસાર યોજાયેલી આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપ નિરીક્ષક તરીકે ગૌતમભાઈ શાહ (મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ), ભાનુબેન બાબરીયા (પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય) તથા રાજુભાઈ ધ્રુવ (પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ કારોબારી સભ્ય)ની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓના મત લેવામાં આવ્યા હતા. આ સેન્સમાં નવ રચિત થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ઓગડ તાલુકા, વાવ (ધરણીધર તાલુકા), થરાદ (રાહ તાલુકા) અને હડાદ તાલુકાના પ્રમુખોની પસંદગી માટે પણ અભિપ્રાયો એકત્ર કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થયેલા સેન્સ અને કાર્યકર્તાઓના મતના આધારે ભાજપ પ્રદેશ પ્રમુખ સન્માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતૃત્વની સંમતિથી જિલ્લા અને તાલુકા પ્રમુખોની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે. આ પ્રક્રિયા આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, "કાર્યકર્તાઓના મત અને સંગઠન શિસ્તને ધ્યાને રાખીને જિલ્લા તેમજ તાલુકા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે. નવા જિલ્લામાં પાર્ટીને વધુ મજબૂત કરવા આ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે." નવા જિલ્લાની રચના બાદ ભાજપે તેને પ્રાથમિકતા આપીને સંગઠન વિસ્તારવાનું કાર્ય ઝડપથી હાથ ધર્યું છે, જેથી આગામી ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન કરી શકાય.
આ પ્રક્રિયા નવા જિલ્લામાં પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવશે અને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવશે. આગામી દિવસોમાં નિમણૂકોની સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
