News of Wednesday, 28th January 2026
રવી સિઝનમાં ક્વિન્ટલ દીઠ રૂા.૨૫૮૫ લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે
૧ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે : ટેકાના ભાવે ઘઉંની ખરીદી ૪ માર્ચથી ૧૫ મે ૨૦૨૬ સુધી કરવામાં આવશે

અમદાવાદ તા.૨૮: કેન્દ્ર સરકાર દ્વારા રવી (શિયાળુ) માર્કેટિગ સિઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાનો ભાવ રૂા. ૨૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લઘુતમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઈન નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે ૧લી, ફેબ્રુઆરીથી ૧લી, માર્ચ-૨૦૨૬ સુધીમાં કરાવવાની રહેશે. આ નોંધણી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન થકી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ૪થી માર્ચથી ૧૫મી, મે-૨૦૨૬ સુધી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ અને પાકની વાવણી અંગેની નોંધ ૭/૧૨ કે ૮/અ-માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે. ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને લ્પ્લ્ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં તેમનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં. વઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવવાની હોવાથી આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી પડશે
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
