હાઈપ્રોફાઈલ ડ્રગ્સ સ્મગલિંગ કેસ : વિદેશી મહિલાને ૨૦ વર્ષની કેદ
અમદાવાદની ખાસ NDPS કોર્ટનો સીમાચિહનરૂપ ચૂકાદો : ભારે દંડ પણ ફટકાર્યો : પેટમાં ૮૬૮ ગ્રામ હેરોઇનની ૭૯ કેપ્સુલ છુપાવી હતી

અમદાવાદ : તા.૨૯ : ડ્રગ્સના કાળા કારોબાર સામે અમદાવાદની ખાસ NDPS કોર્ટે એક સીમાચિホરૂપ ચુકાદો આપ્યો છે. વિદેશી ધરતી પરથી ડ્રગ્સ લાવીને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રમાં સામેલ યુગાન્ડાની એક મહિલાને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને ભારે દંડ ફટકાર્યો છે.
આ ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ને બાતમી મળી હતી કે એક વિદેશી મહિલા ડ્રગ્સનો મોટો જથ્થો લઈને અમદાવાદ આવી રહી છે. એરપોર્ટ પર મહિલાની પૂછપરછ દરમિયાન તેની શંકાસ્પદ હિલચાલને કારણે તપાસ કરવામાં આવી હતી. જ્યારે શારીરિક તપાસમાં કશું ન મળ્યું, ત્યારે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સિવિલના એક્સ-રે અને મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો કે મહિલાએ પેટમાં ડ્રગ્સની કેપ્સૂલ છુપાવી રાખી છે.
તબીબોની મદદથી મહિલાના શરીરમાંથી એક પછી એક કુલ ૭૯ ડ્રગ્સની કેપ્સૂલ બહાર કાઢવામાં આવી હતી. આ કેપ્સૂલ્સની અંદરથી કુલ ૮૬૮ ગ્રામ શુદ્ધ હેરોઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઈનની કિંમત કરોડો રૂપિયા અંકાય છે. DRI એ આ મામલે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી અને તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ માટે કેન્સર સમાન છે. આરોપી મહિલાએ જે રીતે જીવના જોખમે ડ્રગ્સ પેટમાં છુપાવ્યું હતું તે ગંભીર ગુનો છે. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ધ્યાને રાખીને યુગાન્ડાની મહિલાને કસૂરવાર ઠેરવી અને તેને ૨૦ વર્ષ જેલની સજા ફટકારી છે. આ ચુકાદાથી ડ્રગ્સની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
