<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ગાંધીનગર CGSTનું મોડાસામાં મેગા ઓપરેશન : ₹17.5 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ : માસ્ટરમાઈન્ડ પ્રતીક પટેલ જેલહવાલે

પરિવારના નામે 10થી વધુ ડમી પેઢીઓ ઊભી કરી કાગળ પર ચલાવાતું 'સર્ક્યુલર ટ્રેડિંગ' : મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝ સહિત રોયલ અને ખુશ ઇન્ડસ્ટ્રીઝના નામે આચરાયું કરોડોનું ITC કૌભાંડ

ગાંધીનગર : ગુજરાતમાં જીએસટી ચોરી કરનારા તત્વો સામે કેન્દ્રીય જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. ગાંધીનગર CGST કમિશનરેટની ટીમે ડેટા એનાલિટિક્સની મદદથી મોડાસા સ્થિત 'મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝ' દ્વારા આચરવામાં આવતા આશરે ₹17.5 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડને શોધી કાઢ્યું છે. આ મસમોટા કૌભાંડના મુખ્ય સૂત્રધાર પ્રતીક પટેલની ધરપકડ કરીને વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાગળ પર કંપનીઓ બનાવી સરકારી તિજોરીને ચૂનો લગાવ્યો
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી પ્રતીક પટેલે પોતાના પરિવારના સભ્યોના નામે 'રોયલ ઇન્ડસ્ટ્રીઝ', 'ખુશ ઇન્ડસ્ટ્રીઝ' અને 'ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ' જેવી 10થી વધુ બોગસ પેઢીઓ રજીસ્ટર કરાવી હતી. આ કંપનીઓ દ્વારા વાસ્તવમાં કોઈ માલસામાનનું ઉત્પાદન કે વેચાણ થતું નહોતું, પરંતુ માત્ર એકબીજા સાથેના બોગસ બિલો જનરેટ કરીને સરકાર પાસેથી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવતી હતી. કોઈપણ ભૌતિક અવરજવર વગર માત્ર કાગળ પર વ્યવહારો બતાવીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
AI અને ડેટા એનાલિટિક્સની મદદથી ઝડપાયું નેટવર્ક
જીએસટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી શંકાસ્પદ સર્ક્યુલર ટ્રેડિંગ ટ્રેક કરવામાં આવ્યું હતું. આરોપીઓ ડમી કંપનીઓના જાળા દ્વારા બિનહિસાબી નાણાં અર્થતંત્રમાં ફેરવતા હતા.
તપાસનો વ્યાપ વધારાયો
હાલમાં સ્થાનિક કોર્ટે આરોપી પ્રતીક પટેલના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બોગસ બિલિંગ કૌભાંડમાં વધુ કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(10:18 PM IST)