News of Thursday, 29th January 2026
ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા બનેલા હરીરત્ન શોપિંગ સેન્ટરના 45 દુકાનોનું ડિમોલેશન : 40 વર્ષથી ક્યારેય ખુલ્લી જ નહોતી
ડિમોલેશનમાં પ્રજાના ટેક્સનું આંધણ : હવે 22 કરોડના નવા કોમ્પ્લેક્સની યોજના

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 1977માં નિર્માણ કરાયેલા હરીરત્ન શોપિંગ સેન્ટરના 45 દુકાનોનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં 10 લાખ રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે. આ શોપિંગ સેન્ટરનું નામ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો હરીસિંહ મહિડા અને રત્નસિંહ મહિડાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ કોમર્શિયલ સેન્ટરની દુકાનો 40 વર્ષથી અણઉપયોગી પડી છે અને તેમના શટરો ક્યારેય ખુલ્યા નથી. હરાજીમાં અરજદારો ન મળતા આ દુકાનોને તોડીને નવું કોમ્પ્લેક્સ બનાવવાની યોજના છે, જેના પર લોકોમાં કુતૂહલ અને આક્ષેપ વધી રહ્યા છે.
ભરૂચ રેલ્વે સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલા આ સેન્ટરમાં દરેક દુકાન આશરે 300 સ્ક્વેર ફૂટની છે અને ઊંચાઈ 15 ફૂટથી વધુ છે. નિર્માણ પછી અનેક વખત હરાજી કરવામાં આવી પરંતુ અરજદારો ન મળતા દુકાનો અણઉપયોગી રહી હોવાની વાત જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહી છે. હવે આને તોડવા માટે 10 લાખ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, જે જિલ્લા પંચાયતની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ જણાવ્યું કે, આ જમીન પર અદ્યતન રેસ્ટ હાઉસ સાથેનું કોમ્પ્લેક્સ 22 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેમાં સર્કિટ હાઉસ અને અન્ય સુવિધાઓ હશે.
આ નિર્ણય પર વિવાદ વધ્યો છે. RTI એક્ટિવિસ્ટ ધવલ કનોજીયાએ આક્ષેપ કર્યો કે, 40 વર્ષ પહેલા બનેલી નવી દુકાનોના શટર ખોલ્યા વિના જ ડિમોલેશન કરીને પ્રજાના ટેક્સના રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે, 22 કરોડના નવા કોમ્પ્લેક્સમાં અરજદારો મળશે તેની શું ગેરંટી છે? જો આ પણ અણઉપયોગી રહેશે તો ખર્ચ કોના માથે જશે? તેઓએ જિલ્લા પંચાયત પાસેથી રેકોર્ડ માંગ્યા છે અને વહીવટી લાપરવાહીના આરોપ લગાવ્યા છે.
આ ઉપરાંત, શોપિંગ સેન્ટરની વચ્ચે 200 વર્ષ જૂની બાલાપીર માસુમપીર દરગાહ આવેલી હતી, જે હજારો મુસ્લિમોનું આસ્થાનું કેન્દ્ર હતું. વક્ફ બોર્ડમાં નોંધાયેલી આ દરગાહને વહેલી સવારે 4 વાગ્યે પોલીસના કાફલા સાથે જેસીબી વડે તોડી જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી. સામાજિક આગેવાન અબ્દુલ કામઠીએ કહ્યું કે, તંત્રને રાત્રે સ્વપ્ન આવ્યું અને 3 વાગ્યે દરગાહ તોડી દેવામાં આવી હતી. આના વિરુદ્ધ મુસ્લિમ સમાજે હાઈકોર્ટમાં કેસ કર્યો છે.
ખેડૂત આગેવાન નોફલ પટેલે આક્ષેપ કર્યો કે, 1977માં ખેડૂતો અને વેપારીઓ માટે બનેલા આ સેન્ટર પર નવું શોપિંગ બનાવવાના આયોજનમાં પિલ્લરના સળીયા પણ દેખાઈ રહ્યા છે, પરંતુ પંચાયતની આળસ અને લાપરવાહીને કારણે આજે ડિમોલેશન કરવું પડી રહ્યું છે, જે તિજોરીને નુકસાન પહોંચાડવાનું કાવતરું છે.
જિલ્લા પંચાયતના અધિકારી કિંજલભાઈએ જણાવ્યું કે, 40 વર્ષ જૂના શોપિંગના નિર્માણ વખતના દસ્તાવેજો ઉપલબ્ધ નથી, જે મુશ્કેલી વધારે છે. આ ઘટના સરકારી વહીવટમાં અણધડ કામગીરી અને પારદર્શિતાના અભાવને રેખાંકિત કરે છે. જાગૃત નાગરિકો અને સમાજ આ મુદ્દે તપાસની માંગ કરી રહ્યા છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
