<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સુરત નજીક એકલેરા ચોકડી પાસે વિકરાળ આગ: ૩ વીઘામાં ફેલાયેલા કાપડના ગોડાઉનો ભસ્મીભૂત, ૫ કિમી દૂર સુધી ધુમાડાના સામ્રાજ્યથી ભયનો માહોલ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એકલેરા ચોકડી પાસે આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ છે. લગભગ ૩ વીઘા જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ગોડાઉનોમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા ૫ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા કલાકોથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, એકલેરા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં મોટા પાયે વેસ્ટેજ કાપડ (ચીંધી) અને પ્લાસ્ટિકના દાણાનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે અગમ્ય કારણોસર અહીં આગ લાગી હતી. કાપડ અને પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાને કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના રહેવાસીઓ અને રાહદારીઓએ આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના વાદળો જોતા તંત્રને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ બારડોલી, કામરેજ અને સુરત ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, વેસ્ટેજ કાપડનો જથ્થો જમીનમાં દબાયેલો હોવાથી અને સતત સળગતો હોવાથી આગને સંપૂર્ણપણે ઓલવવી મુશ્કેલ બની રહી છે. 

સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. પવનની ગતિને કારણે આગ વધુ પ્રસરવાનો ભય હોવાથી ફાયર વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

 

(1:56 PM IST)